NATIONAL

ઐતિહાસિક ચારમિનાર નજીક ઈમારતમાં ભીષણ આગ, 17ના મોત

હૈદરાબાદના ઐતિહાસિક ચારમિનાર નજીક ગુલઝાર હાઉસમાં રવિવારે સવારે ભીષણ આગ લાગતાં અફરાતફરી મચી છે. આ આગમાં ઓછામાં ઓછા 17 લોકોના મોત થયા હોવાની આશંકા છે. તેમજ 10થી વધુ લોકો ગંભીર રૂપે ઘાયલ થયા છે.

રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઉપયોગ ધરાવતી એક ઇમારતમાં આગ લાગવાની ઘટના રવિવારે સવારે 5.30 વાગ્યે બની હતી. જેમાં મોટાભાગના રહેવાસીઓ ગાઢ નિંદ્રામાં હતાં. આગ ત્રણ માળની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરના કોમર્શિયલ ભાગમાં આવેલા જ્વેલરી સ્ટોરમાંથી શરૂ થઈ હતી, બાદમાં આખી ઈમારતમાં આગ ફેલાઈ હતી. ધુમાડાના કારણે શ્વાસ રૂંધાવાથી ઘણા લોકોના મોત નીપજ્યા હતાં.

આગની જાણ થતાં 11 ફાયર બ્રિગેડની ગાડીઓ બચાવ અને રાહત કામગીરીમાં જોડાઈ છે. લંગર હાઉસ, મોગલપુરા, ગૌલગુડા, રાજેન્દ્ર નગર, ગાંધી આઉટપોસ્ટ, અને સાલારજંગ મ્યુઝિયમ સ્ટેશનોમાંથી ફાયરબ્રિગેડ પહોંચી છે. આ સિવાય બ્રોન્ટો સ્કાયલિફ્ટ, 3 વોટર ટેન્ડર અને એફ ફાયર ફાઈટિંગ રોબોટની મદદ લેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. પીએમઓએ મૃતકોના પરિવારજનોને રૂ. બે લાખ અને ઘાયલોને રૂ. 50,000ની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. પીએમઓએ X પર લખ્યું છે, તેલંગાણાના હૈદરાબાદમાં આગની મોટી દુર્ઘટનાના કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છું. ઈજાગ્રસ્તો માટે ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છું.

ઈજાગ્રસ્તોને DRDO હોસ્પિટલ, ઉસ્માનિયા જનરલ હોસ્પિટલ અને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આગ લાગવા પાછળનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ છે. ઘટનાની વિસ્તૃત તપાસ હાથ ધરાઈ છે. કેન્દ્રીય મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ જી. કિશન રેડ્ડીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, આગ ગ્રાઉન્ડ ફ્લોરમાં આવેલી જ્વેલરીની દુકાનથી શરૂ થઈ હતી, જેની ઉપર દુકાનના માલિકનું ઘર હતું. આ એક મોટી દુર્ઘટના છે જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે અને કેટલાક ઘાયલ થયા છે. હું કોઈને દોષી ઠેરવી રહ્યો નથી, પરંતુ હૈદરાબાદ જે રીતે ઝડપથી વિકાસ કરી રહ્યું છે, તેમાં પોલીસ, નગરપાલિકા, અગ્નિશામક અને વીજળી વિભાગોને વધુ મજબૂત બનાવવાની જરૂર છે.

Back to top button
error: Content is protected !!