NATIONAL

બેન્ક ખાતા, FD અને લૉકર માટે ચાર નોમિની રાખી શકાશે, બેન્કિંગ કાયદો (સંશોધન) બિલ 2024ને મંજૂરી

કેન્દ્ર સરકારે સંસદમાં બેન્કિંગ કાયદો (સંશોધન) બિલ, 2024ને મંજૂરી આપી છે. આ નવા સુધારેલા કાયદા હેઠળ હવે બેન્કના ખાતેદારો ચાલુ-બચત, એફડી, તથા લોકર એકાઉન્ટ માટે ચાર નોમિની રાખી શકશે. ડિસેમ્બર, 2024માં લોકસભામાં મંજૂરી બાદ આજે રાજ્યસભામાં પણ તેને મંજૂરી આપવામાં આવી છે. આ બિલમાં એક મોટો ફેરફાર ‘substantial interest’ની વ્યાખ્યામાં પણ કરવામાં આવ્યો છે. જેથી હવે substantial interest’ કેટેગરીમાં રોકાણ  મર્યાદા પાંચ લાખથી વધારી હવે બે કરોડ કરવામાં આવી છે.

હવે ખાતેદારો પોતાના એકાઉન્ટના નોમિની બે રીતથી પસંદ કરી શકશે. જેમાં એક ટકાવારીના ધોરણે નોમિની પસંદ કરવાની રીત અને બીજી ક્રમિક ધોરણે નોમિની પસંદ કરવાની રીત સામેલ છે. એક સાથે નોમિની પસંદ કરવાની રીતમાં ખાતેદારે પસંદ કરેલા ચાર નોમિનીને પોતાના બેન્ક બેલેન્સનો હિસ્સો ટકાવારીના ધોરણે વહેંચી શકશે. ટકાવારીના આધારે ખાતેદારના મૃત્યુ બાદ નોમિનીને જમા રકમ મળશે. જ્યારે બીજી રીતમાં ચાર નોમિનીના નામ ક્રમાનુસાર લખવાના રહેશે. જેથી ખાતેદારના મૃત્યુ બાદ પ્રથમ નોમિનીને  મૃતકનું બેન્ક ખાતું સોંપવામાં આવશે. બીજા નોમિનીને પ્રથમ નોમિનીના મૃત્યુ બાદ બેન્કમાં જમા રકમનો હિસ્સો મળશે.

બેન્ક લોકરના કિસ્સામાં ચાર નોમિનીની પસંદગી માત્ર ક્રમિક ધોરણે જ કરવામાં આવશે. જેમાં ટકાવારીના ધોરણે નોમિનીને હિસ્સો વહેંચી શકાશે નહીં.  આ બેન્કિંગ કાયદો (સંશોધન) બિલ, 2024ને બંને ગૃહમાં મંજૂરી મળી ચૂકી છે. હવે રાષ્ટ્રપતિ તેના પર અંતિમ નિર્ણય લેશે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદથી આ કાયદો અમલી બનશે.

નવા બિલ હેઠળ સહકારી બેન્કોના ડિરેક્ટર્સનો કાર્યકાળ આઠ વર્ષથી વધારી દસ વર્ષ કરવામાં આવ્યો છે. જેનાથી 2011માં થયેલા 97માં સંશોધન અધિનિયમમાં ફેરફાર થયો છે. હવે કોઈ પણ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કના ડિરેક્ટરને સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કના બોર્ડમાં સેવા આપવાની છૂટ મળશે.

Back to top button
error: Content is protected !!