પ્રદૂષણના કારણે દરરોજ 130 લોકોના મોત થઈ રહ્યા છે. : ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ રિપોર્ટ

દેશભરમાં પ્રદૂષણની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે, ત્યારે હવે સામે આવ્યું છે કે પંજાબમાં વાયુ પ્રદૂષણ હવે જાહેર આરોગ્ય માટે ખતરો બની રહ્યું છે. રાજ્યમાં દરરોજ 130 લોકો પ્રદૂષણને કારણે મૃત્યુ પામે છે. ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ (GBD) 2023ના ડેટાના વિશ્લેષણના આધારે તૈયાર કરાયેલા રિપોર્ટમાં આનો ખુલાસો થયો છે. પંજાબના નવ શહેરો પહેલાથી જ પ્રદૂષણના હોટસ્પોટ શહેરોની લિસ્ટમાં સામેલ છે.
પંજાબ યુનિવર્સિટીના પર્યાવરણીય અભ્યાસ વિભાગના પ્રોફેસર સુમન મોર અને તેમની રિસર્ચ ટીમે રિપોર્ટના આધારે જણાવ્યું કે વાયુ પ્રદૂષણ પંજાબના લોકો માટે સૌથી મોટું આરોગ્ય જોખમ પરિબળ બની રહ્યું છે. માહિતી પ્રમાણે, વર્ષ 2023માં, પંજાબમાં વિવિધ કારણોસર આશરે 2,30,000 મૃત્યુ થયા, જેમાંથી વાયુ પ્રદૂષણના જોખમી પરિબળોને કારણે 48000 મોત થયા છે, જે રાજ્યના કુલ મૃત્યુના 21 ટકા છે. ડૉ. મોરે જણાવ્યું કે રાજ્યમાં દરરોજ આશરે 130 લોકો વાયુ પ્રદૂષણના જોખમી પરિબળોને કારણે જ જીવ ગુમાવી રહ્યા છે.
- હૃદય રોગ (કાર્ડિયોવેસ્ક્યુલર ડીસીઝ) – વાયુ પ્રદૂષણથી થતા મૃત્યુમાંથી લગભગ 68 ટકા હૃદય રોગથી સંબંધિત છે. આમાં ઇસ્કેમિક હૃદય રોગ અને સ્ટ્રોક સૌથી મુખ્ય કારણો છે.
- શ્વસન રોગ (રેસ્પિરેટરી ડીસીઝ) – ક્રોનિક રેસ્પિરેટરી ડીસીઝથી વાર્ષિક આશરે 7,000 મૃત્યુ થાય છે. જેનું મુખ્ય કારણ ક્રોનિક ઓબ્સટ્રકટિવ પલ્મોનરી ડીસીઝ (COPD) અને લોઅર રેસ્પિરેટરી ઇન્ફેકશન છે. આ ફેફસાં અને ગળાની નીચે વાયુમાર્ગોને અસર કરે છે.
- વાયુ પ્રદૂષણને કારણે વાર્ષિક આશરે 1,500 ફેફસાના કેન્સરથી અને 1,700 ન્યુરોલોજીકલ ડિસઓર્ડરથી મૃત્યુ થાય છે.
કેન્દ્ર સરકારે રાજ્યના નવ શહેરોને હોટસ્પોટ એટલે કે નોન-એટેનમેન્ટ શહેરોની લિસ્ટમાં સામેલ કર્યા છે. નોન-એટેનમેન્ટ એ શહેરોને કહેવામાં આવે છે કે જે પાંચ વર્ષના સમયગાળામાં સતત વાયુ ગુણવત્તા સ્તર પીએમ-10 માટે નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સને પૂર્ણ કરવામાં નિષ્ફળ જાય છે. આ શહેરોમાં ડેરાબસ્સી, ગોવિંદગઢ, જલંધર, ખન્ના, લુધિયાણા, નયા નાંગલ, પઠાણકોટ, પટિયાલા અને અમૃતસર સામેલ છે. આ શહેરોમાં વાયુ પ્રદૂષણ સંબંધિત મૃત્યુદરનું જોખમ ખાસ કરીને ઊંચું છે.
એક અહેવાલમાં PGIMERના પ્રોફેસર ડૉ. રવિન્દ્ર ખૈવાલને ટાંકીને જણાવાયું કે ‘ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ વસ્તી સ્તરે ચોક્કસ જોખમ પરિબળો સાથે સંકળાયેલ મૃત્યુદર અને રોગિષ્ઠતાના વૈજ્ઞાનિક અંદાજ પૂરા પાડે છે. 2023નો ડેટા દર્શાવે છે કે વાયુ પ્રદૂષણ પણ હવે પંજાબમાં મૃત્યુનું એક મુખ્ય કારણ બની ગયું છે. આમાં સામે આવ્યું છે કે દર પાંચમાંથી એક મૃત્યુ વાયુ પ્રદૂષણ સાથે જોડાયેલું છે, જે ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ છે. હૃદય અને શ્વસન રોગો પર તેની અસર ખાસ કરીને ગંભીર છે. જો કે, ઘણા કિસ્સાઓમાં, મૃત્યુનું વાસ્તવિક કારણ બદલાઈ શકે છે.




