NATIONAL

સરકાર અને નાણામંત્રીએ આર્થિક સર્વેક્ષણની અવગણના કરી : પી. ચિદમ્બરમ

પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી પી. ચિદમ્બરમે બજેટ મુદ્દે નાણામંત્રી નિર્મલા સીતારમણ પર નિશાન સાધ્યું છે. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, એવું લાગે છે કે સીતારમણે કાં તો આર્થિક સર્વેક્ષણ (Economic Survey) ને બરાબર વાંચ્યું નથી અથવા તો તેને જાણીજોઈને અવગણ્યું છે. ચિદમ્બરમે આરોપ લગાવ્યો કે, નાણામંત્રીના ભાષણ અને બજેટની આર્થિક નીતિમાં દૂરદર્શિતાનો સદંતર અભાવ છે.

મીડિયા સાથે વાત કરતા ચિદમ્બરમે સરકારને ઘેરતા કહ્યું, “આજે સંસદમાં નાણામંત્રીના ભાષણમાં જે કંઈ સાંભળવા મળ્યું તેનાથી અર્થશાસ્ત્રનો દરેક વિદ્યાર્થી સ્તબ્ધ થઈ ગયો હશે. બજેટ એ માત્ર વાર્ષિક આવક અને ખર્ચનું નિવેદન નથી. વર્તમાન સંજોગોમાં બજેટ ભાષણે એ મુખ્ય પડકારો પર સ્પષ્ટ દ્રષ્ટિકોણ રજૂ કરવો જોઈતો હતો. જેનો ઉલ્લેખ થોડા દિવસો પહેલા જાહેર કરાયેલા આર્થિક સર્વેક્ષણ 2025-26 માં કરવામાં આવ્યો હતો.”

ચિદમ્બરમે જણાવ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર અત્યારે અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે, પરંતુ નાણામંત્રીએ પોતાના ભાષણમાં કોઈ પણ પડકાર વિશે વાત કરી નથી. તેમણે મુખ્ય સમસ્યાઓ ગણાવતા કહ્યું: તેમણે ઉમેર્યું કે, “નાણામંત્રીએ આ ગંભીર મુદ્દાઓમાંથી એક પણ વિષય પર ધ્યાન આપ્યું નથી.”

– અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફ.

– ખાનગી ક્ષેત્રમાં રોકાણકારોની ખચકાટ.

– ભારતમાંથી વિદેશી રોકાણ (FDI) નું બહાર જવું.

– વધતી જતી રાજકોષીય ખાધ (Fiscal Deficit).

– લાખો MSMEs નું બંધ થવું.

– યુવાનોમાં બેરોજગારી અને શહેરી વિસ્તારોમાં કથળતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર.

‘યોજનાઓની સંખ્યા વધારવામાં જ વ્યસ્ત છે નાણામંત્રી’
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ આક્ષેપ કર્યો કે, “બજેટ ભાષણની સૌથી ગંભીર બાબત એ છે કે, નાણામંત્રી માત્ર નવી યોજનાઓ, મિશન, સંસ્થાઓ, પહેલ અને ભંડોળની સંખ્યા વધારતા થાકતા નથી. મેં આવી ઓછામાં ઓછી 24 યોજનાઓની ગણતરી કરી છે. હું તમારી કલ્પના પર છોડું છું કે આવતા વર્ષ સુધીમાં આમાંથી કેટલી યોજનાઓ ભુલાઈ જશે અને ગાયબ થઈ જશે.” આ ઉપરાંત, ચિદમ્બરમે તમિલનાડુને બજેટમાં પૂરતો ફાયદો ન મળવા બદલ પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે નાણામંત્રીએ વારંવાર તમિલનાડુને નજરઅંદાજ કર્યું છે.

Back to top button
error: Content is protected !!