કલેક્ટર કચેરી પાસેથી પસાર થતી વેળાં પગ લાગવા જેવા નજીવા મુદ્દે બે જૂથ બાખડ્યાં

સમીર પટેલ, ભરૂચ
ગરનાળા પર યુવાનો મોબાઇલમાં ગેમ રમી રહ્યાં હતાં ત્યારે મામલો ગરમાયો
ભરૂચની મામલતદાર કચેરી પાસે ઝૂપડામાં રહેતો સુરેશ રમેશ હઠિલા રાત્રીના સમયે કલેક્ટર કચેરી પાસેના ગરનાળા પાસે તેના મિત્રો અજય તેમજ ક્રિષ્ણા સાથે બેસીને મોબાઇલમાં ગેમ રમતો હતો. તે સમયે ફલશ્રુતિનગર પાસે રહેતો અક્ષય બળવંત રાઠોડ તેના મિત્ર સુનિલ સાથે તેમની પાસેથી પસાર થઇ રહ્યો હતો. તે વેળાં સુનિલનો પગ સુરેશને વાગતાં તેણે તેને ભાઇ થોડું જોઇને ચાલો તેમ કહેતાં સુનિલ અને અક્ષય બન્ને ઉશ્કેરાઇ ગયાં હતાં અને અપશબ્દો બોલતાં હોઇ તે તેની ઝૂપડપટ્ટી તરફ જતો રહ્યો હતો. અડધો કલાક બાદ અક્ષય તેમજ તેમનો ભાઇ અમિત અને સુરેશ વસાવાએ ત્યાં આવી તેમની સાથે ઝઘડો કર્યો હતો.મામલો ગરમાતાં અક્ષયે તેના હાથમાંના ચપ્પુથી સુરેશના ફોઇના છોકરા રાહૂલના પેટમાં ઘા કરી દીધો હતો. તેમજ બીજા મહેશને પણ ઇજાઓ પહોંચાડી હતી. મામલામાં અક્ષય રાઠોડે ફરિાયદ નોંધાવી હતી કે, તે ઘરે હતો ત્યારે તેના મિત્ર સુનિલ સુરેશ વસાવાનો ફોન આવ્યો હતો કે, ગરનાળા પાસે તેનો ઝઘડો થયો છે જલદી આવ. જેથી તે ત્યાં પહોંચતાં સુનિલે તેને રાહૂલ સાથે થયેલાં ઝઘડા અંગેની જાણ કરી હતી. અરસામાં ત્યાંથી જતાં રહેતાલં રાહૂલે તેના ભાઇ મહેશ સાથે આવી તેમને લોખંડની પાઇપના સપટા મારી ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સિવિલમાં ખસેડાયાં હતાં. એ ડીવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો.




