વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
વાંસદા પ્રાંત અધિકારી ડી.આઈ.પટેલ ૩૩ વર્ષ કરતાં વધુ સમય સુધી અવિરત સેવા બજાવી તા.૩૦મી જૂન, ૨૦૨૫ના રોજ વય નિવૃત્ત થઈ રહ્યા છે. તેમનો વય નિવૃત્તિ સન્માન સમારંભ પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાના સાનિધ્યમાં યોજાયો હતો. આ અવસરે ધર્માંચાર્ય પરભુદાદાએ પ્રાંત અધિકારી ડી.આઈ. પટેલનું નિવૃત્તિબાદનું જીવન તંદુરસ્ત, નિરોગી અને આનંદમય રહે તેવા શુભાષીશ પાઠવતા જણાવ્યું હતું કે, શિવના સાન્નિધ્યમાં નિવૃત્તિ સન્માનનો કાર્યક્રમ રાખી નવી પહેલ કરી છે. પ્રગટેશ્વર ધામના રસ્તાના નવીનીકરણ માટે તેમણે આપેલા સહયોગની સરાહના કરી હતી. પુણ્યશાળી પ્રજાને જ પ્રજાલક્ષી અધિકારી મળે છે, જેમનું સન્માન એ આપણી જવાબદારી બને છે, તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. આ અવસરે પ્રાંત અધિકારી ડી.આઈ.પટેલે જણાવ્યું હતું કે, મારી વય નિવૃત્તિ સમયે પ્રગટેશ્વર મહાદેવના આશીર્વાદ મળ્યા છે જે બદલ ધન્યતા અનુભવી રહ્યો છું. આજે પ્રભુના ચરણોમાં આવ્યો છું અને પરભુ દાદાના આશીર્વાદ થકી અહીં મને જીવનનું સૌથી મોટું સર્ટીફીકેટ આપ્યું છે. નિવૃત્તિ બાદ પણ વહીવટી કામગીરી માં સહયોગની ખાતરી આપી હતી અને જીવનભર લોકોની સેવા કરતો રહું તેવી ઈચ્છા હોવાનું તેમણે જણાવ્યું હતું. સરકારમાં રહીને અનેક વિકાસકાર્યોમાં સહભાગી બની લોકસેવા કરવાનો અવસર મળ્યો છે. પ્રગટેશ્વર દાદાની કૃપાથી તેમના જીવનમાં બનેલા પ્રસંગ વર્ણવી ધર્માંચાર્ય પરભુદાદાના હસ્તે તેમનું સન્માન કરવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ અવસરે ખેરગામ તાલુકા વિકાસ અધિકારી મહેશભાઈ, વાંસદા તાલુકા વિકાસ અધિકારી રાજેન્દ્ર પરમાર, ખેરગામ મામલતદાર ભાવેશભાઈ, પાણીખડક હાઈસ્કુલ ટ્રસ્ટી ચુનિભાઈ, ચીખલી હાઈસ્કૂલના આચાર્ય મનોજભાઈએ પ્રાસંગિક ઉદબોધનમાં પ્રાંત અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ થયેલા અનુભવોનું કરી તેમના નિખાલસ અને મૈત્રીપૂર્ણ સ્વભાવ, કામમાં ચિવટતાની સરાહના કરી હતી. પ્રગટેશ્વર સેવા સમિતિ પ્રમુખ બીપીનભાઈ પરમારે પ્રાંત અધિકારીને આપેલા સન્માનપત્રનું વાંચન કરી આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. મહિલા પ્રમુખ સીતાબેન પટેલે પ્રગટેશ્વર ધામ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી, ઇલાબેન પરમારે વિદાય ગીત રજૂ કર્યું હતું. ઝીકુભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આભારવિધિ હેમંતભાઈ પટેલે કરી હતી. પાણીખડક હાઈસ્કૂલની બાળાઓએ તેમની ગૃહમાતા વિલાસીનીબેનના માર્ગદર્શન હેઠળ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું. પ્રાંત અધિકારીના હસ્તે વિધવા મહિલાઓને છત્રીનું વિતરણ કરાયું હતું આ અવસરે તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ, ખેરગામ સરપંચ ઝરણાબેન પટેલ, આછવણી ઉપસરપંચ મનુભાઈ, ભુદેવ કશ્યપભાઈ જાની, પ્રગટેશ્વર સેવા સમિતિ પ્રમુખ બીપીનભાઈ પરમાર, મંત્રી હેમંતભાઈ પટેલ, ખજાનચી અમિતભાઈ પટેલ, મહિલા પ્રમુખ સીતાબેન પટેલ,પૂર્વ સાંસદ કિશનભાઈ પટેલ તેમજ શિવ પરિવારના અપ્પુભાઈ પટેલ, વિપુલભાઈ પંચાલ, પ્રવીણભાઈ પટેલ, ભાવેશભાઈ, પ્રતિકભાઈ સહિત શિવ પરિવાર અને પ્રાંત કચેરી સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.