ખેડૂતો માટે ભારતીય મોસમ વિભાગ દ્વારા ખુશીના સમાચાર !!!
અલ-નીનોની આ વર્ષે અસર નથી : વર્ષા 105 ટકાથી વધુ થશે
ખેડૂતો માટે આનંદની વાત તે છે કે ભારતીય મૌસમ વિજ્ઞાાન વિભાગએ આગાહી કરી છે કે આ વર્ષે વરસાદની સીઝનમાં જોરદાર વરસાદની સંભાવના છે. આ સમાચાર ભારતનાં કૃષિ ક્ષેત્ર તેમજ અર્થતંત્ર માટે સૌથી સારા છે. કારણ કે ભારતમાં સકળ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)માં કૃષિ ક્ષેત્રનું ૧૮ ટકા જેટલું પ્રદાન છે. વળી આ ક્ષેત્ર સૌથી વધુ રોજગાર આપે છે. દેશની ૪૫ ટકાથી વધુ વસ્તી કૃષિ આધારિત છે.
ભારતનાં પૃથ્વી વિજ્ઞાાન મંત્રાલયના મંત્રી એમ રવિચંદ્રને મંગળવારે કહ્યું હતું કે આ વર્ષે, દીર્ઘકાલીન મોસમ પુર્વાનુમાન પ્રમાણેનું દેશમાં સરેરાશ ૧૦૫ ટકાથી પણ થોડી વધુ વર્ષા થવા સંભવ છે.
આ સાથે મોસમ વિભાગે અલ નીનોની અસર નહીં થાય તેમ પણ કહ્યું છે.
ભારતીય મોસમ વિજ્ઞાાન વિભાગ ના વડા મૃત્યુંજય મહાપાત્રાએ નવી દિલ્હીમાં એક સંવાદદાતા સંમેલનમાં કહ્યું, ભારતમાં ચાર મહિનાની (જૂન થી સપ્ટે) વર્ષાઋતુમાં સામાન્ય કરતાં વધુ વર્ષા થવાની સંભાવના છે. કુલ દીર્ઘકાલીન વર્ષાની સરેરાશની ગણતરી મુકતા આ વર્ષે સરેરાશ વર્ષા ૧૦૫ ટકા જેટલી એટલે કે ૮૭ સેમી (૩૨-૩૩ ઇંચ) થી વધુ રહેવાની સંભાવના છે. આ વર્ષે ભારતીય ઉપખંડમાં અલ-નીનોની અસર થવા સંભવ નથી. દેશમાં ૧ જૂન આસપાસ કેરળમાં વર્ષાનો પ્રારંભ થાય છે. તે પછી આગળ વધતા દેશભરમાં છવાઈ જાય છે પછી સપ્ટેમ્બરના મધ્યથી મોન્સુન પાછું ફરે છે.
જો કે આ સાથે મહાપાત્રાએ એક ભય તરફ પણ નિર્દેશ કર્યો છે કે દેશના કેટલાક ભાગોમાં ગરમીનો પ્રકોપ વધશે. એપ્રિલથી જૂન વચ્ચે કેટલાએ રાજ્યોમાં લૂ લાગવાની ભીતિ રહેલી છે. તે દરમિયાન કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ જેવી પણ સ્થિતિ ઉત્પન્ન થઇ શકે. અને પેયજળની પણ સમસ્યા જુન સુધી રહેવા સંભવ છે.