હેશટેગ ‘સેવઅરવલ્લી’થી દેશવ્યાપી ટ્રેન્ડ : લાખો પોસ્ટ, 50 હજાર લોકોએ ઓનલાઈન સાઈન કરી કેમ્પેઈનને સમર્થન કર્યું

નવી દિલ્હી : દિલ્હીથી ગુજરાત સુધી ફેલાયેલી અરવલ્લી પર્વતમાળામાં ખોદકામના મુદ્દે દેશભરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સેવ અરવલ્લીનું કેમ્પેઈન ચાલી રહ્યું છે. રાજસ્થાનના અનેક શહેરોમાં અરવલ્લી બચાવોના નારા સાથે દેખાવો થયા હતા. કેટલાક સ્થળોએ દેખાવકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જોધપુરમાં દેખાવકારો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ઉદયપુરમાં દેખાવકારોની અટકાયત કરવામાં આવી હતી. સીકરમાં હર્ષ પર્વત પર ચઢીને લોકોએ પ્રદર્શન કર્યું હતું. હજારો લોકોએ ઓનલાઈન ચાલતા કેમ્પેઈનમાં હસ્તાક્ષર કરીને વિરોધ નોંધાવ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે ફરીથી સુનાવણી માગણી પણ ઉઠી છે. કેન્દ્ર સરકારે બે દિવસમાં બે વખત સ્પષ્ટતા કરવી પડી હતી છતાં લોકોનો રોષ શાંત પડયો નથી.
નવેમ્બર માસમાં સુપ્રીમ કોર્ટમાં અરવલ્લીના મુદ્દે એક સુનાવણી થઈ હતી. એમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ૧૦૦ મીટરથી નીચી હોય અને બે પહાડીઓ વચ્ચે ૫૦૦ મીટરનું અંતર હોય એવા કિસ્સામાં તેને જંગલ માની શકાય નહીં. એ પહાડી અરવલ્લીમાં છે એ આધાર પર આવી નાની ટેકરીઓને વનભૂમિ ઘોષિત ન કરી શકાય. આવી જમીનનો નિર્ણય રેકોર્ડ અને વાસ્તવિકતાના આધારે થવો જોઈએ, માત્ર ઊંચાઈના માપદંડથી નિર્ણય થઈ શકે નહીં. આવા અર્થના નિર્ણય સામે હવે ફરીથી સુનાવણીની માગણી ઉઠી છે.
અરવલ્લી બચાવો અને પીપલ ફોર અરવલ્લી જેવા સંગઠનો તેમજ દિલ્હી, રાજસ્થાન, હરિયાણાના પર્યાવરણ કાર્યકરોનો દાવો છે કે સરકારે નક્કી કરેલી વર્તમાન વ્યાખ્યા મુજબ અરવલ્લીના ૯૦ ટકા ડુંગરો ‘સંરક્ષણ કવચ’માંથી દૂર થતાં આગામી સમયમાં તેનો સફાયો થવાનું જોખમ રહેલું છે.
આ સંદર્ભમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું હતું કે લોકોમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. હકીકતે માત્ર ૦.૧૯ ટકા વિસ્તારમાં જ ખોદકામ થશે. બાકીનો વિસ્તાર સુરક્ષિત છે. પર્યાવરણ મંત્રીએ તો ત્યાં સુધી કહ્યું કે સુપ્રીમના ચુકાદાને લઈને પણ લોકોમાં યોગ્ય માહિતીનો અભાવ જોવા મળી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, ગુજરાત સ્થિત પહાડીઓનું વૈજ્ઞાાનિક ઢબે સંરક્ષણ કરવું જોઈએ. તેમણે કહ્યું કે સુપ્રીમના ચુકાદાના ૩૮માં પેરામાં લખ્યું છે કે ગંભીર જરૂરિયાતના મામલાને છોડીને કોઈ નવો ખોદકામનો પટ્ટો નહીં બનાવવામાં આવે. અરવલ્લીના શ્રેણીમાં ૨૦ વન્યજીવ અભ્યારણ્ય અને ચાર વાઘ સંરક્ષણ ક્ષેત્રો હોવાથી તેમાં કોઈ છેડછાડ નહીં થાય.
જોકે, આગલા દિવસે પણ પર્યાવરણ મંત્રીએ સ્પષ્ટતા કરી હતી, તે વખતે તેમણે કહ્યું હતું કે અરવલ્લીનો ૯૦ ટકા વિસ્તાર સુરક્ષિત છે. લોકોમાં ભ્રમ ફેલાવાઈ રહ્યો છે કે ૯૦ ટકા વિસ્તાર સાફ થઈ જશે તે માહિતી જૂઠી છે. પર્યાવરણ મંત્રીના બે દિવસના બે નિવેદનો સામેય લોકોએ સોશિયલ મીડિયામાં સવાલો ઉઠાવ્યા હતા. લોકોએ કહ્યું હતું કે તેમણે સ્પષ્ટતા કરવી જોઈએ કે ૯૦ ટકા વિસ્તાર સુરક્ષિત છે કે પછી ૯૯. ૮૧ ટકા વિસ્તાર સુરક્ષિત છે. કારણ કે ૧૦ ટકા વિસ્તારમાં અનેક પહાડીઓનું નિકંદન નીકળી જશે.
આવી પરિસ્થિતિ વચ્ચે અરાવલ્લીને બચાવવાનું કેમ્પેઈન ઓનલાઈન અને ઓફલાઈન જોર પકડી રહ્યું છે. રાજસ્થાનના અનેક શહેરોમાં પર્યાવરણ પ્રેમીઓ, પર્યાવરણ સંગઠના, કોલેજિયન યુવાનોએ દેખાવો કર્યા હતા. સેવ અરવલ્લીના નારા લગાવીને થયેલા દેખાવો વખતે ઘણાં સ્થળોએ પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. જોધપુરમાં પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો હતો. ઉદયપુરમાં દેખાવો દરમિયાન ધક્કા-મુક્કી થતાં પોલીસે અનેક લોકોની અટકાયત કરી છે.
પર્યાવરણ કાર્યકર અને વકીલ હિતેન્દ્ર ગાંધીએ ભારતના મુખ્ય ન્યાયધીશ અને રાષ્ટ્રપતિને પત્ર લખીને અરવલ્લીના મુદ્દે સુનાવણી કરવાની માગણી કરી હતી. અરવલ્લી બાબતે સમીક્ષા પર ભાર મૂકીને તેમણે પત્રમાં લખ્યું હતું કે અરવલ્લીના ફ્રેમવર્ક મુદ્દે સુપ્રીમે જે કહ્યું તેની વધુ સ્પષ્ટતાની જરૂર છે.જો અરવલ્લીને બચાવવામાં નહીં આવે તો ઉત્તર અને પશ્વિમ ભારતમાં મોટી પર્યાવરણની કટોકટી સર્જાઈ શકે છે એવી આશંકા તેમણે વ્યક્ત કરી હતી.




