18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે લગ્ન પછી પણ સંબંધ બાંધવો એ કાયદેસર રીતે દુષ્કર્મ ગણાશે. : હાઇકોર્ટ

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે એક મહત્ત્વપૂર્ણ નિર્ણયમાં સ્પષ્ટ કર્યું છે કે પોક્સો (POCSO) અધિનિયમ હેઠળ, 18 વર્ષથી ઓછી ઉંમરની છોકરી સાથે લગ્ન પછી પણ સંબંધ બાંધવો એ કાયદેસર રીતે દુષ્કર્મ ગણાશે. કોર્ટના મતે, આમાં ધાર્મિક કે વ્યક્તિગત કાયદાકીય માન્યતાની સ્થિતિ, સંમતિ, કે પછી યુગલની વૈવાહિક સ્થિતિ, આમાંથી કોઈ પણ બાબત લાગુ પડશે નહીં.
પંજાબના હોશિયારપુરની એક 17 વર્ષીય મુસ્લિમ યુવતી અને તેના પતિએ, પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરીને માતા-પિતા તરફથી હિંસાના ડરને કારણે કોર્ટમાં સુરક્ષા માંગી હતી. જોકે, યુગલે દલીલ કરેલી હતી કે મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ 15 વર્ષની ઉંમરે યુવાની પ્રાપ્ત થતાં લગ્નનો અધિકાર મળે છે, તેને ન્યાયમૂર્તિ સુભાષ મહેતાએ ફગાવી દીધી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે, ‘વિપરીત વૈધાનિક કાયદા(Statutory Law)ની સામે, વ્યક્તિગત કાયદો (Personal Law) પ્રભાવી થઈ શકે નહીં.’
આ અંગે ન્યાયાધીશ સુભાષ મહેતાએ પોતાના વિસ્તૃત આદેશમાં સમજાવ્યું કે આ કેસમાં ત્રણ વિશેષ કાયદા પ્રભાવી છે જેમકે…
1. બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006 હેઠળ છોકરી માટે લગ્નની ન્યૂનતમ કાનૂની ઉંમર 18 વર્ષ છે.
2. યૌન અપરાધોથી બાળકોનું સંરક્ષણ (પોક્સો) અધિનિયમ, 2012 હેઠળ 18 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ સાથેની તમામ યૌન ગતિવિધિઓ, ભલે સંમતિ હોય કે વૈવાહિક સ્થિતિ, તે કાયદેસર દુષ્કર્મ જ છે.
3. કિશોર ન્યાય (બાળકોની સંભાળ અને સંરક્ષણ) અધિનિયમ, 2015 હેઠળ સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા દરેક બાળકને દુર્વ્યવહાર, શોષણ અને ઉપેક્ષાથી બચાવવો જોઈએ.
આ મામલે ન્યાયાધીશે સ્પષ્ટ કર્યું કે, આ વિશેષ કાયદાઓ ધર્મનિરપેક્ષ અને કલ્યાણ-કેન્દ્રિત હોવાથી વ્યક્તિગત કાયદાઓનું અતિલંઘન કરે છે. તેમનો કાયદાકીય ઇરાદો સ્પષ્ટ છે કે બાળકોની સુરક્ષામાં સરકારનો બાધ્યકારી રસ રહેલો છે, તેથી બાળ લગ્ન અને સગીરો સાથેના યૌન કૃત્યોને અપરાધ ગણવા, ભલે તે લગ્નની આડમાં થયા હોય. આ ચર્ચાના આધારે, કોર્ટે કહ્યું કે તે એવા યુગલને સુરક્ષા આપવાના પક્ષમાં નથી, જ્યાં પતિ-પત્નીમાંથી કોઈ એક સગીર હોય, કારણ કે આવું કરવાથી લાભકારી કાયદાઓનો મૂળ ઉદ્દેશ્ય જ નિષ્ફળ થઈ જશે.
સરકારે આ અરજીનો વિરોધ કરતાં કહ્યું કે છોકરી 18 વર્ષથી ઓછી છે, જેનાથી આ લગ્ન બાળ લગ્ન નિષેધ અધિનિયમ, 2006 હેઠળ રદ કરવા યોગ્ય છે. સરકારે એ પણ કહ્યું કે, એકવાર સગીરનો દરજ્જો સ્થાપિત થઈ જાય, પછી અદાલતે ‘પેરેન્ટ્સ પેટ્રિયાએ’ (નાબાલિગના વાલી) તરીકે કાર્ય કરતાં બાળકના શ્રેષ્ઠ હિતનું નિર્ધારણ કરવું પડશે.
તમામ પક્ષોને સાંભળ્યા પછી બેન્ચે હોશિયારપુરના એસએસપીને સગીરાને બાળ કલ્યાણ સમિતિ (CWC) સામે રજૂ કરવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે નિર્દેશ આપ્યો કે CWC એ કિશોર ન્યાય અધિનિયમ, 2015ની કલમ 36 હેઠળ તપાસ કરવી જોઈએ અને સગીર યુવતીની સુરક્ષા અને કલ્યાણ સુનિશ્ચિત કરવું જોઈએ. આ સાથે જ, પોલીસને અરજીકર્તા યુગલને શારીરિક નુકસાનથી બચાવવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો.




