NATIONAL

123 વર્ષ બાદ ગર્મીએ રેકોર્ડ તોડિયો 2024 સૌથી વધુ ગરમ વર્ષ, નિષ્ણાંતોમાં ચિંતા

IMD: હવામાન વિભાગના જણાવ્યાનુસાર, 1901 બાદ 2024 સૌથી ગરમ વર્ષ રહ્યું છે. 1901 બાદ લઘુત્તમ સરેરાશ તાપમાનમાં 0.90 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો. આ વર્ષે સરેરાશ તાપમાન 25.75 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સરેરાશ તાપમાન કરતાં 0.65 ડિગ્રી સેલ્સિયસ વધુ છે.

દેશમાં હાલના દિવસોમાં કડકડતી ઠંડી પડી રહી છે, પરંતુ હવામાન વિભાગે કહ્યું છે કે, વર્ષ 1901 પછી વર્ષ 2024 ભારતના હવામાન ઇતિહાસમાં સૌથી ગરમ વર્ષ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર, 2024માં વર્ષ 1901 બાદ લઘુત્તમ સરેરાશ તાપમાનમાં 0.90 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાયો હતો. વર્ષ 2024 માટે સરેરાશ તાપમાન 25.75 ડિગ્રી સેલ્સિયસ હતું, જે વાર્ષિક સરેરાશ તાપમાન કરતાં 0.65 ડિગ્રી સેલ્સિયસ વધુ છે.

હવામાન વિભાગના નિયામક મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, વર્ષ 2024માં સરેરાશ મહત્તમ તાપમાન 31.25 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 0.20 ડિગ્રી સેલ્સિયસ વધુ છે. લઘુત્તમ સરેરાશ તાપમાન 20.24 ડિગ્રી સેલ્સિયસ હતું, જે સામાન્ય કરતાં 0.90 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. વર્ષ 2024 એ 2016નો રેકોર્ડ તોડ્યો કારણ કે 2016માં સરેરાશ સપાટીનું હવાનું તાપમાન 0.54 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું હતું, પરંતુ 2024માં સરેરાશ તાપમાન તે સીમાને પણ વટાવી ગયું હતું. હવામાન વિભાગ મુજબ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં સરેરાશ લઘુત્તમ તાપમાન સૌથી વધુ હતું.

2024નું વર્ષ ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી ગરમ વર્ષ હતું. યુરોપીયન હવામાન એજન્સીએ આ દાવો કર્યો કે, વર્ષ 2024માં પૃથ્વીનું સરેરાશ તાપમાન 1850-1900ના ઔદ્યોગિક સમય પહેલાની સરખામણીમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ વધશે. હવામાનશાસ્ત્રીઓનું કહેવું છે કે વર્ષ 2024માં વધુ 41 દિવસ ખતરનાક ગરમી નોંધાઈ હતી.

યુએન એજન્સીના જણાવ્યાનુસાર, ક્લાઈમેટ ચેન્જને કારણે 2024માં વધુ 41 ગરમ દિવસનો ઉમેરો થયો, જેની માનવ સ્વાસ્થ્ય અને ઇકોસિસ્ટમ પર નકારાત્મક અસર પડી છે. આના કારણે રેકોર્ડબ્રેક વરસાદ, વિનાશક પૂર, પ્રચંડ ગરમી, તાપમાન 50 ડિગ્રી સેલ્સિયસને પાર અને જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો છે. આ ઉપરાંત ક્લાઈમેટ ચેન્જને કારણે 29 માંથી 26 હવામાન ઘટનાઓનું જોખમ વધ્યું છે. વર્ષ 2024માં, સમગ્ર વિશ્વમાં ક્લાઈમેટ ચેન્જને કારણે ઓછામાં ઓછા 3,700 લોકોએ જીવ ગુમાવ્યા અને લાખો લોકો વિસ્થાપિત થયા છે.

ભારતીય હવામાન વિભાગનું કહેવું છે કે, દેશમાં લઘુત્તમ તાપમાન સતત વધી રહ્યું છે. ખાસ કરીને ચોમાસા પછી અને શિયાળાની ઋતુમાં તાપમાન વધી રહ્યું છે. મતલબ કે કડકડતી શિયાળાના દિવસો સતત ઘટી રહ્યા છે. લા નીના ઈફેક્ટને કારણે ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી છે અને આ સ્થિતિ જાન્યુઆરીમાં થોડા દિવસો સુધી ચાલુ રહેશે, પરંતુ આ સ્થિતિ લાંબા સમય સુધી રહેશે નહીં.

પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતાં, હવામાન નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, જૂન 2023માં માસિક વૈશ્વિક તાપમાન સરેરાશ કરતાં 1.5 ડિગ્રી સેલ્સિયસ વધારે હતું. આ પેટર્ન આ વર્ષે પણ ચાલુ રહી અને જુલાઈ 2024માં જ થોડી રાહત મળી. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે વિશ્વ હવે એવા તબક્કામાં પ્રવેશી રહ્યું છે જ્યાં તાપમાન સતત વધતું રહેશે.

Back to top button
error: Content is protected !!