અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી: સાબરડેરી સામે ચોથા દિવસે પણ પશુપાલકોનો ઉગ્ર વિરોધ યથાવત :તેનપુર માં મહિલાઓ એ છાજીયા લીધા, જયારે જાલોદર માં ચેરમેનની અંતિમ યાત્રા કાઢી વિરોધ
સાબરડેરીના દૂધના ઓછા ભાવ વિરુદ્ધ અરવલ્લી જિલ્લામાં ચાલી રહેલા પશુપાલકોના આંદોલનનો આજે ચોથો દિવસ છે. જિલ્લાભરના અનેક ગામડાઓમાં આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. પશુપાલકોના રોષ અને અસંતોષનો ઉગ્ર પ્રદર્શનમાં ફાટી નીકળ્યો છે.
જાલોદર ગામે પ્રતિકાત્મક અંતિમ યાત્રા
મોડાસા તાલુકાના જાલોદર ગામે પશુપાલકો દ્વારા સરકાર અને સત્તાધીશો માટે પ્રતિકાત્મક અંતિમ યાત્રા કાઢવામાં આવી. યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કરતા પ્લેકાર્ડ સાથે રસ્તા પર ઉતર્યા હતા. યાત્રા અંતે “સત્તાધીશો માટે અંતિમ વિધિ” પણ કરવામાં આવી – જે એક પ્રતિકાત્મક પગલાં તરીકે લેવામાં આવ્યું હતું
તેનપુરમાં મહિલા પશુપાલકોનો તોફાની વિરોધ
બીજી તરફ બાયડના તેનપુર ગામે, 200થી વધુ મહિલા પશુપાલકો એકત્રિત થઈ અને દૂધ મંડળીના મથકે જમાવટ કરી. આક્રોશિત મહિલાઓએ સાબરડેરીના ચેરમેન વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરતા છાજીયા કાઢી નારાબાજી કરી, અને તેમનો નાટકીય વિરોધ નોંધાવ્યો. મહિલા વિરોધને લઈને તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો.
પશુપાલકોની ચીમકી – ભાવફેર નહીં તો ઉગ્ર આંદોલન
આંદોલનકારીઓએ જણાવ્યું કે, “સાબરડેરી દ્વારા યોગ્ય ભાવ ન ચુકવાતા અમારો જીવ પરિજાય છે. જો તાત્કાલિક ન્યાય ન મળે તો આખા જિલ્લાના દૂધનો પુરવઠો બંધ કરી ઉગ્ર આંદોલનના માર્ગે જઈશું.”