NATIONAL

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સોરેનનું નિધન, હેમંત સોરેને કહ્યું, હું શૂન્ય થઈ ગયો

ઝારખંડના રાજકારણમાં એક યુગનો અંત આવ્યો છે. ઝારખંડ મુક્તિ મોરચા (JMM) ના અધ્યક્ષ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી શિબુ સોરેનનું નિધન થયું છે. મુખ્યમંત્રી હેમંત સોરેને પોતે તેમના પિતાના અવસાનની પુષ્ટિ કરી છે.

85 વર્ષીય શિબુ સોરેન છેલ્લા કેટલાક દિવસોથી અસ્વસ્થ હતા. જુલાઈના છેલ્લા અઠવાડિયામાં કિડની સંબંધિત સમસ્યાઓના કારણે તેમને દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારથી તેમની તબિયત નાજુક હતી અને ડોક્ટરોએ તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખ્યા હતા.

શિબુ સોરેનના નિધનથી ઝારખંડના રાજકારણમાં એક મોટી ખોટ પડી છે. તેઓ રાજ્યના સૌથી પ્રભાવશાળી નેતાઓમાંના એક હતા અને આદિવાસી સમાજનો મજબૂત અવાજ બની રહ્યા હતા. તેમને ઝારખંડમાં લોકો પ્રેમથી ‘ગુરુજી’ તરીકે ઓળખતા હતા.

ઝારખંડ મુક્તિ મોરચાના સ્થાપક નેતાઓમાંના એક તરીકે, શિબુ સોરેને આદિવાસી અધિકારોની લડાઈમાં અગ્રણી ભૂમિકા ભજવી હતી. તેમણે અલગ ઝારખંડ રાજ્યની સ્થાપના માટેના આંદોલનનું નેતૃત્વ કર્યું અને ત્રણ વખત રાજ્યના મુખ્યમંત્રી પણ બન્યા હતા.

તેમના નેતૃત્વ હેઠળ, JMM એ આદિવાસી વિસ્તારોમાં સામાજિક અને રાજકીય ચેતનાનો પ્રચાર કર્યો અને રાજ્યને એક નવી ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેમના નિધનના સમાચાર ફેલાતાની સાથે જ સમગ્ર ઝારખંડમાં શોકની લહેર ફરી વળી છે. તેમના યોગદાનને આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિબુ સોરેનના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો અને તેમના પુત્ર અને ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે ફોન પર વાત કરીને શોક વ્યક્ત કર્યો છે. PM Modi X પોસ્ટમાં લખ્યું છે કે, શિબુ સોરેન એક જમીન સાથે જોડાયેલા નેતા હતા જેમણે જાહેર જીવનમાં લોકો પ્રત્યે અતૂટ સમર્પણ સાથે કામ કર્યું. તેઓ ખાસ કરીને આદિવાસી સમુદાયો, ગરીબો અને વંચિતોના સશક્તિકરણ માટે સમર્પિત હતા. તેમના નિધનથી દુઃખી છું. મારી સંવેદના તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે વાત કરી અને સંવેદના વ્યક્ત કરી.

શિબુ સોરેનનો જન્મ 11 જાન્યુઆરી1944ના રોજ બિહારના હજારીબાગમાં થયો હતો. તેમને દિશામ ગુરુ અને ગુરુજી તરીકે ઓળખવામાં આવે છે. આદિવાસીઓના શોષણ સામે તેમનો લાંબો સંઘર્ષ રહ્યો હતો. તેમણે 1977માં પહેલી વાર ચૂંટણી લડી હતી, પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, 1980થી તેઓ સતત ઘણી વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. તેમણે બિહારથી અલગ ઝારખંડ રાજ્ય બનાવવાની ચળવળમાં પણ નિર્ણાયક ભૂમિકા ભજવી છે. તેઓ ત્રણ વખત (2005, 2008, 2009) ઝારખંડના મુખ્યમંત્રી બન્યા, પરંતુ એક પણ કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નહીં.

Back to top button
error: Content is protected !!