
જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદને પગલે ૫૦ થી વધુ માર્ગ બંધ કરવામાં આવ્યા છે. જેમાં સ્ટેટ હાઇવેના ૨૧ રસ્તા, પંચાયત હેઠળના કુલ ૫૦ રસ્તા બંધ કરવામાં આવ્યા છે. તેમજ વાહન વ્યવહાર માટેના એસ.ટી. બસના કુલ ૧૫ રૂટ બંધ કરવામાં આવ્યા છે.આ બંધ થયેલા રસ્તા ઉપરથી અત્યારે કોઈ નાગરિક પસાર ના થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવે છે. તેમજ જ્યાં પણ પાણીનું વહેણ વહી રહ્યું હોય ત્યાંથી લોકોને અવર જવર ન કરવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે.જિલ્લામાં અત્યારે અતિ ભારેથી ભારે વરસાદની પરિસ્થિતિ હોવાથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે. જેમાં માણાવદર તાલુકામાં ૦૮, વંથલી તાલુકામાં ૨૪, માંગરોળ તાલુકામાં ૨૬, કેશોદ તાલુકામાં ૧૬, આમ કુલ ૭૪ ગામો અત્યારે સંપર્ક વિહોણા થયેલા છે. આ ગામો સાથે અત્યારે તાત્કાલિક રીતે બચાવ કામગીરી થઇ શકે, પુનઃ સંદેશા વ્યવહાર પ્રસ્થાપિત થઇ શકે, પીવાનું પાણી, દવા, ફૂડ પેકેટ મળે તે માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ત્યાં કામ કરી રહી છે.
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ




