‘હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં, અમે ચૂંટણી હાર્યા જ નથી…’ મમતા બેનરજી

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજીએ આરોપ લગાવ્યો છે કે, ‘અમે ચૂંટણી હાર્યા જ નથી, પરંતુ 100 મત વિસ્તારોમાં મત ‘લૂંટવામાં’ આવ્યા છે. અમારી લડાઈ ફક્ત ભાજપ સામે નથી, પરંતુ અમારે ચૂંટણી પંચ સામે પણ લડવું પડ્યું હતું. ચૂંટણી પંચનું વર્તન સંપૂર્ણપણે પક્ષપાતીભર્યું હતું અને લોકશાહીની હત્યા કરાઈ છે. હું રાજીનામું આપવા લોકભવન નહીં જઉં. રાજીનામું આપવાનો સવાલ જ પેદા નથી થતો.’
મમતા બેનરજીએ કહ્યું કે, ‘મારે લોકભવન કેમ જાઉં જોઈએ? જો મારે શપથ લેવાના હોત તો હું જાત. તેઓએ કબજો કરી લીધો છે. શું તમને લાગે છે કે હું રાજીનામું આપી દઉં? હું નહીં જાઉં. હું રસ્તા પર હતી અને રસ્તા પર જ રહીશ. બે તબક્કામાં ચૂંટણી થયા બાદ તેઓએ અમારા કાર્યકરો અને નેતાઓની અટકાયત કરવાનું શરૂ કરી દીધું, અધિકારીઓની બદલી કરવાનું શરૂ કર્યું. ચૂંટણીમાં ભાજપ પોતાની જ પાર્ટીના બ્યૂરોક્રેટ્સને લઈને આવ્યા.’
‘ઇન્ડિયા’ ગઠબંધનની વાત કરતાં મમતાએ કહ્યું, ‘મેં આ પહેલાં ક્યારેય આવી ચૂંટણી જોઈ નથી. મેં 2004માં પણ આવા અત્યાચાર જોયા નહોતા. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ઉદ્ધવ ઠાકરે અને હેમંત સોરેનથી લઈને વ્યાપક INDIA ગઠબંધનના સભ્યો સુધીના નેતાઓએ મારી સાથે વાત કરી છે. અખિલેશ યાદવ કાલે આવી રહ્યા છે.’
બુથ પર થયેલા તેમની પરના વ્યવહાર પર તેમણે કહ્યું કે, ‘મને બુથ પરથી ધક્કા મારીને કાઢવામાં આવી. હું એક મહિલા છું, મારી સાથે આ પ્રકારનો વ્યવહાર કરી શકતા હોય તો અન્ય લોકો સાથે કેવુ વર્તન કરાશે.’
ભવિષ્યની યોજના વિશે મમતા બેનરજીએ કહ્યું કે, ‘અમે નિર્ણય લીધો છે કે અમે એક્શન લઈશું. જેમાં અમે 10 સદસ્યોની સાથે એક ફાઈન્ડિંગ કમિટી તૈયાર કરીશું. આ કમિટીના સભ્યો વિવિધ વિસ્તારોમાં જઈને લોકોની મુલાકાત કરશે. અમારા કાર્યાલય પર કબજો કરાયો અને અમારી પાર્ટીના કાર્યકરો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે. ચૂંટણી પંચ સંપૂર્ણપણે ભેદભાવપૂર્ણ છે. તેઓએ કાઉન્ટિંગ સેન્ટરને હાઈજેક કર્યું હતું.’
સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે બંગાળના પરિણામો પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ‘હવે શું સત્તાધારી રાજનીતિને પાતાળથી પણ નીચે લઈ જશો? દેશના રાજકીય ઈતિહાસનો આ એક ઘોર ‘કાળો દિવસ’ છે. આજે આખો દેશ આક્રોશિત છે અને લોકશાહી વ્યથિત. ચૂંટણી વ્યવસ્થાના નામે કેન્દ્રીય દળોનો જે દુરુપયોગ મતગણતરીમાં આજે બંગાળમાં થયો છે, બરાબર એવો જ ગોટાળો 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં મોટાભાગની જગ્યાએ કરવામાં આવ્યો હતો, જેની સાક્ષાત સાક્ષી કન્નૌજની વિધાનસભાઓ હતી. ત્યારબાદ આ જ નિંદનીય મોડેલને ફરુખાબાદની 2024 લોકસભા ચૂંટણીમાં પુનરાવર્તિત કરવામાં આવ્યું હતું. બધા જાણે છે કે શું થયું છે અને સત્ય શું છે અને જનમતની ખુલ્લી લૂંટ કેવી રીતે થઈ છે.’
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જૂના પરિણામોને ટાંકીને ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, ‘દિલ્હી અને બંગાળને ભાજપ મોદીની લહેરની ચરમસીમાએ પણ નહોતું જીતી શક્યું. 2015 માં દિલ્હીમાં અને 2016માં બંગાળમાં તેમની 3-3 બેઠકો આવી હતી. તે જ દિલ્હી અને બંગાળમાં ભાજપે તેવા સમયે જીત હાંસલ કરી જ્યારે મોદીજીની લોકપ્રિયતા પાતાળમાં જઈ રહી છે. આવું કેવી રીતે શક્ય છે?’
વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સીધો ચૂંટણી પંચ પર નિશાન સાધતા મમતા બેનરજીના દાવાને ટેકો આપ્યો છે. તેમણે કહ્યું કે, ‘આસામ અને બંગાળમાં ભાજપે ચૂંટણી પંચની મદદથી ચોરી કરી છે. અમે મમતાજી સાથે સહમત છીએ. બંગાળમાં 100થી વધુ બેઠકો પર ચોરી કરવામાં આવી છે. અમે આ પ્લેબુક અગાઉ પણ જોઈ છે: મધ્ય પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, લોકસભા 2024 વગેરે.’




