લદાખમાં હિંસા માટે સરકાર જ જવાબદાર, મને જેલમાં નાંખ્યો તો ભારે પડશે : સોનમ વાંગચુક
લદાખને રાજ્યનો દરજ્જો આપવા મામલે બુધવારે ભારે હિંસા થઈ હતી. હવે ગૃહમંત્રાલયે હિંસા મામલે પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુકના ઉશ્કેરણીજનક નિવેદનોને જવાબદાર ઠેરવ્યા છે, જોકે વાંગચુકે આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે, ‘લદાખની વાસ્તવિક સમસ્યાઓ પરથી લોકોનું ધ્યાન હટાવી શકાય તે માટે મને બલિનો બકરો બનાવવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે.’
ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરતી વખતે વાંગચુકે આશંકા વ્યક્ત કરી છે કે, તેમને પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) હેઠળ ધરપકડ કરવાની તૈયારી ચાલી રહી છે. તેમણે કહ્યું, ‘હું તેના માટે તૈયાર છું, પરંતુ જેલમાં રહેલો સોનમ વાંગચુક સરકાર માટે બહારના સોનમ વાંગચુક કરતાં વધુ પડકારરૂપ સાબિત થશે. સરકાર ચાલાકી કરી શકે છે, પરંતુ મને જવાબદાર ઠેરવવાની બાબત તેઓની બુદ્ધિમાની નથી. જ્યારે યુવાનોમાં પહેલેથી જ બેરોજગારી અને અસંતોષ વધ્યો છે, ત્યારે સમજદારીપૂર્વક કામ કરવું જરૂરી છે.’
હિંસા અને દેખાવ બાદ તેમણે વધુમાં કહ્યું કે, ‘હિંસાનું મૂળ કારણ છ વર્ષથી ચાલતી બેરોજગારી અને સરકારના અધૂરા વચનો છે. સરકાર નોકરીના આરક્ષણ જેવી સામાન્ય બાબતોને મોટી સિદ્ધિ ગણાવીને રજૂ કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે, જ્યારે રાજ્યનો દરજ્જો અને પર્યાવરણ સંરક્ષણ જેવા મુખ્ય મુદ્દાઓ હજુ પણ ઉકેલાયા નથી.’ હિંસા બાદ લેહમાં કર્ફ્યૂ લાદી દેવાયો છે. બીજીતરફ વાંગચુકે 15 દિવસની ભૂખ હડતાળ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે.
ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે, ‘વાંગચુકના ઉશ્કેરણીજનક નિવેદનો અને રાજકીય રીતે પ્રેરિત વ્યક્તિઓના કારણે આ આંદોલન ભડક્યું છે. તેઓ સરકાર અને લદાખના સંગઠનો સાથે ચાલી રહેલી વાતચીતથી સંતુષ્ઠ ન હતા. મંત્રાલયે દાવો કર્યો છે કે, બુધવાર સાંજ સુધીમાં સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે, તેઓ સોશિયલ મીડિયામાં જૂના અને ભડકાઉ વીડિયો ન ફેલાવે.’
કેન્દ્ર સરકારે કહ્યું છે કે, ‘ઉચ્ચ સ્તરીય સમિતિ અને ઉપ-સમિતિ દ્વારા લેહ એપેક્સ બોડી (LAB) અને કારગિલ ડેમોક્રેટિક એલાયન્સ (KDA) સાથે સતત વાતચીત ચાલુ છે. આગામી બેઠક 6 ઓક્ટોબરે યોજાવાની છે. લદાખના ઉપરાજ્યપાલ કવિન્દર ગુપ્તાએ જણાવ્યું કે, હિંસા પાછળ કોઈ ષડયંત્ર હોઈ શકે છે અને કાયદો-વ્યવસ્થાને નુકસાન પહોંચાડનારાઓને બક્ષવામાં નહીં આવે.
લદાખને રાજ્યનો દરજ્જો આપવાની અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માંગ પુરી થવા મુદ્દે યુવા દેખાકારો બુધવારે રસ્તા પર આવી ગયા હતા, જેના કારણે ભારે હિંસા થઈ હતી. આ દરમિયાન દેખવાકારો અને સુરક્ષા દળો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. આ ઉપરાંત ભાજપ કાર્યાલય અને અનેક વાહનોને આંગ ચાંપવાની ઘટના બની હતી. પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા માટે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. ઘટનામાં ચાર લોકોના મોત અને 40 પોલીસ કર્માચરીઓ સહિત 80 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
કેન્દ્ર સરકારે લદાખના જળવાયુ કાર્યકર્તા સોનમ વાંગચુકની બિન-લાભકારી સંસ્થાનું FCRA રજિસ્ટ્રેશન રદ કરી દીધું છે. આરોપ છે કે NGOએ વિદેશી ફંડિંગથી જોડાયેલા કાયદાનું વારંવાર ઉલ્લંઘન કર્યું. આ પગલું વાંગચુકના નેતૃત્વમાં કેન્દ્ર શાસિત પ્રદેશ લદાખને રાજ્યનો દરજ્જો આપવાની માગને લઈને થયેલા હિંસક વિરોધ પ્રદર્શનના 24 કલાક બાદ લેવાયો છે.
ગૃહ મંત્રાલયે સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદાખ (SECMOL)નું FCRA લાઈસન્સ રદ કરી દેવાયું, જે સોનમ વાંગચુકથી જોડાયેલ છે.
આ અગાઉ કેન્દ્રીય તપાસ એજન્સીએ વાંગચુકથી જોડાયેલા સંસ્થાનોમાં FCRA કાયદાના કથિત ઉલ્લંઘનની તપાસ શરૂ કરાઈ હતી. એક અધિકારીએ જણાવ્યું કે, શરૂઆતી તપાસ થોડા સમયથી ચાલી રહી હતી, પરંતુ આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ દાખલ નથી કરાઈ.