પતિ બીજી સ્ત્રી પાસે રહીને બાળક પેદા કરે તો પત્ની માગી શકે ભરણપોષણ- HC
દિલ્હી હાઈકોર્ટનું કહેવું છે કે જો પતિ બીજી સ્ત્રી પાસે રહીને બાળક પેદા કરે તો તેવા કિસ્સામાં પત્ની તેની પાસે ભરણપોષણ માગી શકે છે.
શું કોઈ પતિ બીજી મહિલા સાથે રહેતો હોય અને તેનાથી બાળક પેદા કરે તો, આવા કિસ્સામાં પત્ની ભરણપોષણની હકદાર બને કે નહીં? તેને લઈને એક મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. પતિ બીજી સ્ત્રી સાથે રહેતો હોય અને આ સ્ત્રીથી તે બાળક પેદા કરે તો તેની પત્નીને ઘરેલુ હિંસાની પીડિત જ ગણી શકાય અને આવા કિસ્સામાં પત્ની ભરણપોષણની પણ હકદાર છે. આવો ચુકાદો દિલ્હી હાઈકોર્ટે આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે, અન્ય મહિલા સાથે રહેતો પતિ અને તેની સાથે બાળક પણ હોય તો તે પત્નીને ઘરેલુ હિંસા કાયદા હેઠળ ઘરેલું હિંસાનો શિકાર બનાવે છે. અદાલતે તેની પત્નીને દર મહિને ₹30,000 ભરણપોષણ ચૂકવવા સામે પતિની અરજીને ફગાવી દીધી હતી.
આ દંપતીએ 1998માં લગ્ન કર્યા હતા પરંતુ લગ્ન બાદ પતિને બીજી સ્ત્રી સાથે સંબંધ બંધાયો હતો અને તેનાથી એક પુત્રી પણ પેદા થઈ છે. પતિ અવારનવાર મહિલાને ઘેર લાવતો હતો અને પત્નીને ધમકી આપતો હતો. તેના સાસરિયા પણ તેને હેરાન કરતાં હતા આ પછી મહિલાએ પતિનું ઘર છોડી દીધું હતું. પત્નીએ એમ પણ કહ્યું હતું કે તેના સાસરિયાઓએ તેને ધમકી આપી હતી, ચેતવણી આપી હતી કે જો તે પગલાં લેશે, તો તેનો પતિ તેને અને તેમના બાળકોને આર્થિક સહાય આપવાનું બંધ કરશે.
પતિની અરજીને ફગાવી દેતા જસ્ટિસ પ્રસાદે કહ્યું કે પત્નીએ તેનું વૈવાહિક ઘર છોડવું પડ્યું કારણ કે તે તેના પતિને બીજી સ્ત્રી સાથે રહેવું સહન કરી શકતી નથી. પત્ની પાસે સંજોગોને જોતાં તેના બાળકોને પતિના માતા-પિતા સાથે છોડી દેવા સિવાય કોઈ વિકલ્પ નહોતો અને તેનું આ કામ એકદમ વાજબી હતું. ઘણી ભારતીય મહિલાઓ તેમના પરિવાર, બાળકો અને સાસરિયાઓની સંભાળ રાખવા માટે નોકરી છોડી દે છે.
છૂટાછેડાના કેસમાં જયપુરની ફેમિલી કોર્ટનો ચુકાદો ભવિષ્યમાં ઉદાહરણરુપ બની શકે છે. કોર્ટમાં મહિલાએ તેના પતિ પાસેથી ભરણપોષણ માગતી અરજી દાખલ કરી હતી જોકે કોર્ટે તેને ફગાવી દીધી હતી કારણ કે પત્નીના લગ્ન બહારના સંબંધો હતા. કોર્ટે કહ્યું કે મહિલા સાથે લગ્ન બાદ પણ ગેરકાયદે સંબંધો હતા. એક મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા બાદ ભરણપોષણ માટે કેસ દાખલ કર્યો હતો. મહિલાએ ફેમિલી કોર્ટને તેના પૂર્વ પતિ પાસેથી ભરણપોષણ તરીકે 40 લાખ રૂપિયા આપવા જણાવ્યું હતું. મહિલાની દલીલ એવી હતી કે પતિ સરકારી નોકરી કરે છે અને પૈતૃક મિલકત પણ ધરાવે છે. તેથી, તેણીને તેના ભૂતપૂર્વ પતિ પાસેથી કાયમી ભરણપોષણ પૂરું પાડવું જોઈએ. પતિએ પૂર્વ પત્નીની અરજીનો વિરોધ કર્યો હતો. પતિએ પત્ની પર આરોપ લગાવ્યો હતો કે લગ્ન બાદ પણ તેના માતા-પિતાના ઘરની પડોશમાં રહેતા યુવક સાથે ગેરકાયદે સંબંધો હતા. પતિએ કોર્ટને જણાવ્યું કે આના આધારે કોર્ટે 2019માં બંનેના છૂટાછેડા લીધા હતા. આ પછી પતિએ કહ્યું કે તે માત્ર એક કારકુન છે. કારકુન તરીકેના તેમના પગારથી, તેમણે તેમના પુત્રને તેમની સ્વર્ગસ્થ પત્ની અને તેમની બીમાર માતાનો નિર્વાહ કરવાનો હોય છે અને તેથી તે 40 લાખ જેટલી મોટી રકમ આપી શકે તેવી હાલતમાં નથી.