
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી શહેરમાં આજ રોજ મહાનગર પાલિકા ટાઉનહોલ ખાતે નવસારી સામાજિક વનિકરણ વિભાગ દ્વારા કરુણાઅભિયાન-૨૦૨૬, અંતર્ગત એક મહત્વપૂર્ણ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળા નાયબ વન સંરક્ષક નવસારી શ્રીમતી ઉર્વશી આઈ. પ્રજાપતિ તથા મદદનીશ વન સંરક્ષક કેયુરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી.
કાર્યશાળામાં ઉતરાયણ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને કેવી રીતે સુરક્ષિત રીતે બચાવવા, રેસ્ક્યુ દરમિયાન કઈ સાવચેતી રાખવી, શું કરવું અને શું ન કરવું તેમજ પ્રાથમિક સારવાર અંગે ડો સૌરભ પરમાર વેટનરી કોલેજ નવસારી દ્વારા વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ઘાયલ પક્ષીઓ માટે વન વિભાગનો તાત્કાલિક સંપર્ક કરવા હેલ્પલાઇન નંબરો તથા સરનામાની માહિતી પણ ઉપસ્થિતોને આપવામાં આવી હતી. વનવિભાગ નવસારી દ્વારા વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ તેમજ સંબંધિત કાયદાકીય જોગવાઈઓ અંગે ડો જયેશ જેંદે એસોસિયેટ પ્રોફેસર એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી નવસારી ,દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી નાગરિકો કાયદાની સમજ સાથે જવાબદારીપૂર્વક પક્ષીઓની મદદ કરી શકે.આ કાર્યશાળામાં નવસારી જિલ્લાની વિવિધ કોલેજો, શાળાઓ, એનજીઓ, સ્વયંસેવકો તેમજ જાગૃત નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કરુણાઅભિયાન-૨૦૨૬,તારીખ ૧૦ જાન્યુઆરી ૨૦૨૬થી ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ સુધી અમલમાં રહેશે અને આ સમયગાળા દરમિયાન ઘાયલ પક્ષીઓની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ટોલ ફરી નંબર ૧૯૨૬ અને ૧૯૬૨ ટોલ ફ્રી પર સંપર્ક કરી કોઈ પણ નાગરિક ઘાયલ થયેલ પક્ષીની સારવાર માટે મદદ મેળવી શકશે, તથા ૮૩૨૦૦૦૨૦૦૦ પર Hi ટેક્સ્ટ કરી અથવા મિસ્ડકોલ કરી નજીકના સારવાર કેન્દ્રની માહિતી મેળવી શકશે.




