NATIONAL

5 વર્ષમાં દેશની 37,663 સરકારી સ્કૂલોને તાળા લાગ્યા !!! પ્રાઈવેટ સ્કૂલોની બોલબાલા

બિહારમાં સરકારી સ્કૂલોમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો. 2024-25માં અહીં 1,800 સ્કૂલો બંધ થઈ ગઈ.
બીજા નંબરે હિમાચલ પ્રદેશ છે, જ્યાં 492 સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ.
એવી જ રીતે, કર્ણાટકમાં 462 સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ.
આ યાદીમાં અરુણાચલ પ્રદેશ (289) ચોથા અને મહારાષ્ટ્ર (273) પાંચમા સ્થાને છે.

ઉત્તર પ્રદેશ પ્રાઈવેટ સ્કૂલો શરૂ થવામાં દેશમાં પહેલા ક્રમે છે. અહીં 7,873 નવી પ્રાઈવેટ સ્કૂલો શરૂ થઈ.
બિહારમાં 2,107 નવી પ્રાઈવેટ સ્કૂલો શરૂ થઈ છે.
આસામમાં 755 નવી પ્રાઈવેટ સ્કૂલો ખોલાઈ છે.

યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (UDISE+)ના તાજા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. યુનિવર્સિટી મિનિસ્ટ્રી દ્વારા શૈક્ષણિક વર્ષ 2024-25 માટે જાહેર કરાયેલ UDISE+ ડેટા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં દેશભરમાં સ્કૂલોની સંખ્યા નોંધપાત્ર ઘટી છે. 2021માં કુલ 15,09,136 સ્કૂલો હતી, જે હવે ઘટીને 14,71,473 રહી ગઈ છે. એટલે કે 37,663 સ્કૂલ બંધ થઈ છે, જેમાંથી 23,000થી વધુ સરકારી તથા સરકારી સહાય મેળવતી સ્કૂલો છે. 2024-25ના શૈક્ષણિક વર્ષમાં જ 5,303 સરકારી અને સરકારી સહાય મેળવી સ્કૂલો બંધ થઈ છે. 2023-24માં સરકારી સ્કૂલોની સંખ્યા 10.18 લાખ હતી, જે હવે ઘટીને 10.13 લાખ થઈ ગઈ છે.

ગુજરાતમાં છેલ્લાં આઠેક વર્ષમાં જ 525 સરકારી સ્કૂલો બંધ થઈ ગઈ છે. ઉપરાંત ગુજરાત સરકાર વિદ્યાર્થીઓની સંખ્યા નહીવત હોવાના બહાને 5912 સરકારી સ્કૂલ બંધ કરવાની ફિરાકમાં છે. જે દર્શાવે છે કે, રાજ્યમાં ગરીબ કે આર્થિક રીતે નબળા વર્ગ માટે બાળકોને શિક્ષણ આપવું કેટલું મોંઘું બની ગયું છે! સરકારી સ્કૂલો બંધ થઈ રહી છે, ત્યારે ખાનગી સ્કૂલોની સંખ્યા સતત વધી રહી છે. 2024-25માં 8,475 નવી પ્રાઈવેટ સ્કૂલો શરૂ થઈ, તો 2023-24માં આ આંકડો 7,678 હતો. દેશમાં પ્રાઈવેટ સ્કૂલોની કુલ સંખ્યા 3.39 લાખ થઈ ગઈ છે, જે 2023-24માં 3.31 લાખ હતી.

દેશમાં શિક્ષકોની સંખ્યા 2023-24માં 98.07 લાખ હતી તે વધીને 2024-25માં 1.01 કરોડ થઈ છે. પુરુષ શિક્ષકોની સંખ્યા 45.77 લાખથી વધીને 46.40 લાખ થઈ છે, જ્યારે મહિલા શિક્ષકોની સંખ્યા 52.30 લાખથી વધીને 54.81 લાખ થઈ છે. આ વૃદ્ધિથી વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર (PTR – પ્યુપિલ ટીચર રેશિયો) સુધર્યો છે.

‘ડિજિટલ ઇન્ડિયા’ના જમાનામાં પણ દેશની ઘણી સ્કૂલોમાં ટેકનોલોજીનો અભાવ છે. કુલ 14.71 લાખ સ્કૂલોમાંથી ફક્ત 9.51 લાખ સ્કૂલોમાં જ કમ્પ્યુટર લેબની સુવિધા છે. મેઘાલય (19.7%), પશ્ચિમ બંગાળ (25.1%), બિહાર (25.2%), મણિપુર (38%) અને જમ્મુ-કાશ્મીર (43.1%) જેવા રાજ્યોમાં ડિજિટલ શિક્ષણનો દર સૌથી નીચો છે.

Back to top button
error: Content is protected !!