NATIONAL

CBSE બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 અને 12ની એક-એક પરીક્ષાની તારીખ બદલાઈ

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા આગામી બોર્ડ પરીક્ષાઓને લઈને એક મહત્ત્વની જાહેરાત કરાઈ છે. બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની એક-એક પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે. અગાઉ આ બંને પરીક્ષા 3 માર્ચ, 2026ના રોજ યોજાવાની હતી, જે હવે નવી તારીખે લેવામાં આવશે.

સુધારેલા નવા ટાઈમટેબલ મુજબ ધોરણ 10ની પરીક્ષાઓ જે 3 માર્ચ, 2026 ના રોજ યોજાવાની હતી, તે હવે 11 માર્ચ, 2026 ના રોજ યોજાશે. તેમજ ધોરણ 12 ની પરીક્ષાઓ, જે 3 માર્ચના રોજ યોજાવાની હતી, તે 10 એપ્રિલ, 2026ના રોજ લેવાશે.

બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી સત્તાવાર નોટિસ અનુસાર, ‘વહીવટી કારણોસર’ આ પરીક્ષાઓની તારીખમાં ફેરફાર કરવાનો નિર્ણય કરાયો છે. CBSE એ સ્પષ્ટતા કરી છે કે, 3 માર્ચ સિવાયની ધોરણ 10 અને 12ની અન્ય તમામ પરીક્ષાના શિડ્યુલમાં કોઈ ફેરફાર કરાયો નથી. વિદ્યાર્થીઓને વધુ વિગતો માટે બોર્ડની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાની સલાહ અપાઈ છે.

મહત્વનું છે કે 3 માર્ચના રોજ ધોરણ 10ની ઘણી ભાષાઓમાં પરીક્ષા હતી જેમાં તિબેટી, જર્મન, એનસીસી, ભોટી, બોડો, તંગખુલ, જાપાનીઝ, ભૂટિયા, સ્પેનિશ, કાશ્મીરી, મિઝો વગેરે સહિત અનેક ભાષાઓનો સમાવેશ છે. જ્યારે ધોરણ 12 માટે કાનૂની અધ્યયન ((Legal Studies)ની પરીક્ષાઓ હતી જે હવે પહેલાથી નિર્ધારિત કાર્યક્રમ મુજબ નહીં પણ એક મહિના કરતાં વધુ સમય પછી લેવાશે. આ સાથે CBSE બોર્ડ દ્વારા શાળાઓને સૂચના આપી છે કે તેઓ આ અપડેટ શક્ય તેટલી વહેલી તકે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે શેર કરે જેથી ઉમેદવારોમાં કોઈપણ મૂંઝવણ ન રહે તેમજ તેમની પરીક્ષાની તૈયારીનું સુચારું રૂપે આયોજન કરી શકે.

Back to top button
error: Content is protected !!