NATIONAL

ઘરેલુ હિંસામાં હંમેશા પતિ આરોપી હોય તેવું માનવું અયોગ્ય : દિલ્હી હાઈકોર્ટ

દિલ્હી હાઇકોર્ટે ઘરેલુ હિંસાના એક કેસમાં ચુકાદો આપતા કહ્યું હતું કે ઘરેલુ વિવાદના દરેક મામલામાં પતિ અને તેનો પરિવાર પત્નીને પરેશાન કરતો હોય કે ઉત્પીડન કરતો હોય તેવુ માની લેવું જરૂરી નથી. આવા મામલાઓમાં પતિના પક્ષને સાંભળવો પણ જરૂરી છે. ઘરેલુ હિંસાના કેસમાં પતિના તરફેણમાં ચુકાદો આપતા હાઇકોર્ટે આ અવલોકન કર્યું હતું. પોતાના પર લાગેલા આરોપો જુઠા હોવાનું સાબિત કરવા પાછળ પતિએ નવ વર્ષ લગાવી દીધા હતા.

દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ નીના બંસલ કૃષ્ણાની બેંચે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે અરજદાર પતિ અને તેના પરિવારનું જાહેરમાં તેમની પત્ની દ્વારા અપમાન કરાયું હતું. બાદમાં ઉલટા પતિ અને તેના પરિવાર સામે જ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી અને તેમની ધરપકડ કરાવામાં આવી. આજથી નવ વર્ષ પહેલા થયેલી પતિની ધરપકડ ગેરકાયદે હોવાનો હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો અને અરજદારને તે જ સમયે જેલ મોકલવાના નીચલી કોર્ટના આદેશને રદ કરી દીધો હતો.

આ સાથે જ હાઇકોર્ટની બેંચે કહ્યું હતું કે પારિવારિક વિવાદોના મામલામાં એક પ્રચલન વધી ગયું છે કે માત્ર પત્નીનો જ પક્ષ સાંભળવામાં આવે છે. અનેક એવા મામલા છે જેમાં પતિને સાંભળ્યા વગર એવી ઘટનાઓ માટે જવાબદાર ઠેરવી લેવામાં આવે છે કે જે ઘટનાને તેઓએ અંજામ આપ્યો જ ના હોય. વિવાદ પત્ની અને તેના પરિવારે ઉભો કર્યો પરંતુ જેલ જવું પડયું નિર્દોષ પતિએ. તેથી હાઇકોર્ટ તે સમયે દાખલ એફઆઇઆરને રદ કરે છે અને આરોપી પતિની ધરપકડને ગેરકાયદે ઠેરવે છે. 15 એપ્રિલ 2016ના રોજ વાદી પત્નીએ પહેલા સાસરિયાવાળા સાથે ઝઘડો કર્યો બાદમાં પોલીસ બોલાવીને પતિની ધરપકડ કરાવી દીધી અને સાસરિયાવાળા પર ઉત્પીડનના આરોપો પણ લગાવી દીધા. જ્યારે પીડિત સાથે પોલીસ સ્ટેશનમાં મારપીટ કરવામાં આવી હોવાના મામલામાં પોલીસકર્મીઓની સામે મારપીટ, બંધક બનાવવા અને અન્ય કલમો હેઠળ કેસ દાખલ કરાયો હોવાની કાર્યવાહીને હાઇકોર્ટે યોગ્ય ઠેરવી હતી.

Back to top button
error: Content is protected !!