ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડર તેમજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો

મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને વૈશ્વિક ઊર્જા બજારમાં ચાલી રહેલા ઉતાર-ચઢાવ વચ્ચે દેશમાં LPG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડર તેમજ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં વધારો થતાં સામાન્ય લોકો સાથે-સાથે વેપારીઓ પર પણ તેનો અસરકારક પ્રભાવ જોવા મળી શકે છે. નવી જાહેર થયેલી કિંમતો મુજબ 14.2 કિલોગ્રામના ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં ₹60નો વધારો કરવામાં આવ્યો છે. નવા દરો આજથી અમલમાં આવ્યા છે અને તે તેલ કંપનીઓની સત્તાવાર વેબસાઇટ પર પણ અપડેટ કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ વાત એ છે કે એપ્રિલ 2025 પછી ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં આ પહેલો વધારો માનવામાં આવે છે.
નવી કિંમતો અનુસાર હવે દિલ્હીમાં 14.2 કિલોગ્રામનો ઘરેલુ LPG સિલિન્ડર ₹853માંથી વધીને ₹913 થયો છે. કોલકાતામાં તેની કિંમત ₹879માંથી વધીને ₹939 થઈ છે. જ્યારે ચેન્નાઈમાં અગાઉ ₹868.50માં મળતો સિલિન્ડર હવે ₹928.50 થયો છે. ઘરેલુ ગેસ સિવાય કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરમાં ₹115નો વધારો કરવામાં આવ્યો છે. નવા દર મુજબ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત ₹1,883 થઈ ગઈ છે, જ્યારે મુંબઈમાં તે ₹1,835 થઈ છે. કોલકાતામાં તેની કિંમત ₹1,990 સુધી પહોંચી છે અને ચેન્નાઈમાં ₹2,043.50 થઈ ગઈ છે.
કોમર્શિયલ ગેસના ભાવ વધવાથી હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન તેમજ નાના ખાદ્ય વ્યવસાયો પર સીધી અસર પડી શકે છે. જેના કારણે ખાણી-પીણીની વસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ દરમિયાન કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ દેશના ઊર્જા પુરવઠા અંગે લોકોને આશ્વાસન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અથવા LPGની કોઈ અછત નથી અને ગ્રાહકોને પુરવઠા અંગે ચિંતા કરવાની જરૂર નથી. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે સરકારનું મુખ્ય ધ્યાન દેશના નાગરિકોને સસ્તું અને સ્થિર ઊર્જા પૂરું પાડવાનું છે અને તે દિશામાં સતત પ્રયાસ થઈ રહ્યા છે.




