ભારતની મુખ્ય ટેક્ટોનિક પ્લેટ તિબેટની નીચે બે ભાગમાં ફાટી રહી છે, વૈજ્ઞાનિકો ચિંતીત

પૃથ્વી ક્યારેય સ્થિર નથી. એની સપાટી સતત બદલાતી રહે છે અને હવે વૈજ્ઞાનિકોએ એક ચોંકાવનારી હકીકત બહાર પાડી છે. ભારતની મુખ્ય ટેક્ટોનિક પ્લેટ, જે હિમાલયને ધકેલતી આવી છે, તિબેટની નીચે બે ભાગમાં ફાટી રહી છે. આ વિખંડનથી હિમાલય વિસ્તાર ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ અને ભૌગોલિક પરિવર્તનોના નવા તબક્કામાં પ્રવેશી શકે છે.
અમેરિકાની કોલોરાડો યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ તાજેતરમાં Nature Geoscience જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવ્યું છે કે ભારતીય પ્લેટ તિબેટની નીચે આશરે 100 કિમી ઊંડાઈએ વિભાજીત થઈ રહી છે. ઉપરનો ભાગ હિમાલય તરફ ધકેલાઈ રહ્યો છે, જ્યારે નીચેનો ભાગ મંગોલિયા તરફ સરકી રહ્યો છે. આ પ્રક્રિયા આશરે 5 મિલિયન વર્ષ પહેલાં શરૂ થઈ હતી, પરંતુ હવે તે ઝડપથી આગળ વધી રહી છે. વૈજ્ઞાનિકોએ ભૂકંપના તરંગોનું વિશ્લેષણ કરીને શોધ્યું છે કે આ ફાટ લગભગ 200-300 કિલોમીટર લાંબી છે.
મુખ્ય સંશોધક બ્રેડન ચાઉ કહે છે કે આ તૂટણ હિમાલયની રચનામાં નવો અધ્યાય લખી શકે છે પણ તે સાથે 8 થી 9 તીવ્રતાના ભૂકંપોનું જોખમ પણ વધારી શકે છે. આ વિસ્તાર પહેલાથી જ અત્યંત સંવેદનશીલ છે. 2005ના કાશ્મીર ભૂકંપ અને 2015ના નેપાળ ભૂકંપ એના ઉદાહરણ છે. ભારતીય ભૂસ્તરશાસ્ત્રી ડૉ. આર.કે. સિંહ (GSI) ચેતવણી આપે છે કે જો આ વિખંડન વધશે, તો દિલ્હી, દહેરાદૂન, લુખ્નાઉ અને કાઠમંડુ જેવા શહેરોમાં ધ્રુજારી અનુભવાશે.
અભ્યાસ સૂચવે છે કે, પ્લેટનો નીચેનો ભાગ ધીરે ધીરે પીગળી રહ્યો છે, બિલકુલ જેમ ગરમીમાં આઈસ્ક્રીમ પીગળે છે. તેના કારણે મેગ્મા બહાર આવવાની સંભાવના છે, જે નવા જ્વાળામુખી વિસ્ફોટોને જન્મ આપી શકે છે. હિમનદીઓ પીગળવાથી ગંગા, યમુના અને બ્રહ્મપુત્રા જેવી નદીઓમાં પૂર આવવાનો ખતરો પણ વધી શકે છે.
ટેક્ટોનિક પ્લેટો પૃથ્વીના બાહ્ય સ્તરના ભાગો છે, જે મેગ્મા પર તરતા રહે છે. ભારતીય પ્લેટ દર વર્ષે આશરે 5 સે.મી. ઉત્તર તરફ ખસે છે. તિબેટ નીચે તે નીચે જવા બદલે ફાટીને બે ભાગમાં વહેંચાઈ રહી છે.
ઉપરનો ભાગ હિમાલયને ધકેલી રહ્યો છે (દર વર્ષે લગભગ ૫ મીમી ઉંચો થઈ રહ્યો છે), પરંતુ નીચેનો ભાગ ખસી શકતો નથી પરિણામે, દબાણ વધીને તિરાડ પડી રહી છે.
2015ના નેપાળ ભૂકંપમાં 9,000 લોકોના મૃત્યુ થયા હતા. જો આવા ભૂકંપો ફરી આવ્યા, તો નુકસાન ૧ ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચી શકે છે.
ભારત સરકારે જીઓલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI) અને નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ને વધારાનું ભંડોળ આપ્યું છે. તિબેટ સરહદ પર 50 નવા સિસ્મિક સેન્સર સ્થાપિત થઈ રહ્યા છે. ચીન સાથે ડેટા શેરિંગ માટે ચર્ચા પણ શરૂ થઈ છે.
વૈજ્ઞાનિકો કહે છે કે આ પરિવર્તન પૃથ્વીના કુદરતી ચક્રનો ભાગ છે. તે તરત નહીં થાય, પરંતુ અગામી લાખો વર્ષોમાં ધીમે ધીમે બદલાવ આવશે. પરંતુ તૈયારી અને સચેતતા આજથી જરૂરી છે ભૂકંપ પ્રતિરોધક ઇમારતો, તાત્કાલિક બચાવ યોજના અને સતત દેખરેખ આપણા રક્ષણનું કવચ બની શકે છે.



