NATIONAL

ઇન્ડિગો એરલાઇન્સ મુસાફરો માટે મોટું સંકટ બની, 3 દિવસમાં 400થી વધુ ફ્લાઈટ્સ રદ

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો એરલાઇન્સ મુસાફરો માટે એક મોટું સંકટ બની ગઈ છે. છેલ્લા ત્રણ દિવસમાં દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ, અમદાવાદ અને બેંગલુરુ જેવા મુખ્ય શહેરોના એરપોર્ટ પર ઇન્ડિગોની લગભગ 400 ફ્લાઇટ્સ રદ થઈ છે. હજારો મુસાફરો 12-14 કલાક સુધી એરપોર્ટ પર અટવાઈ પડ્યા છે, જેના કારણે ભારે હાહાકાર મચી ગયો છે.

અહેવાલો અનુસાર, સતત ત્રીજા દિવસે ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાની સમસ્યા ચાલુ રહી છે: ગુરુવારે પણ દિલ્હીથી ઈન્ડિગોની 30 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. હૈદરાબાદમાં પણ 33 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી, જ્યારે બેંગલુરુમાં આ આંકડો 73 પર પહોંચી ગયો હતો. દેશની સૌથી મોટી એરલાઇન ઈન્ડિગોએ કહ્યું છે કે સ્ટાફની અછત આ મુખ્ય કારણ છે. બુધવારે (ત્રીજી ડિસેમ્બર) બપોર સુધીમાં જ લગભગ 200 ફ્લાઇટ્સ રદ થઈ હતી, જ્યારે ગુરુવારે (ચોથી ડિસેમ્બર) 170 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

ઈન્ડિગો દ્વારા સત્તાવાર રીતે સ્ટાફની અછત, ટેકનિકલ સમસ્યાઓ અને ખરાબ હવામાનને કારણભૂત ગણાવવામાં આવ્યું છે, પરંતુ આ સંકટ પાછળનું મુખ્ય કારણ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)ના નવા ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL) નિયમો છે. આ નિયમો ક્રૂ (પાઇલટ અને કેબિન ક્રૂ) માટે મહત્તમ ફ્લાઇટ કલાકો, ડ્યુટી સમયગાળો અને લઘુત્તમ આરામની આવશ્યકતાઓ નક્કી કરે છે.

નવા નિયમો ક્રૂ માટે વધુ માનવીય અને આરામદાયક રોસ્ટરિંગ સુનિશ્ચિત કરે છે, પરંતુ એરલાઇન ઝડપથી વધતી જતી પાઇલટ્સની અછતનો સામનો કરી રહી છે, જેના કારણે ફ્લાઇટ્સના સંચાલનમાં વિક્ષેપ પડ્યો છે.

ઇન્ડિગોના પ્રવક્તાએ આ સમસ્યા અંગે માફી માંગતા એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં કહ્યું કે, ‘છેલ્લા બે દિવસમાં, અમારી ફ્લાઇટ્સમાં નોંધપાત્ર વિલંબ અને વિક્ષેપો થયા છે, જેના માટે અમે અમારા બધા મુસાફરોની માફી માંગીએ છીએ. નાની ટેકનિકલ સમસ્યાઓ, શિયાળા સંબંધિત શેડ્યૂલમાં ફેરફાર, ખરાબ હવામાન, હવાઈ ટ્રાફિકમાં વધારો અને નવા ક્રૂ રોસ્ટરિંગ નિયમો સહિત અનેક ઓપરેશનલ પડકારોને કારણે ફ્લાઇટ્સમાં નોંધપાત્ર વિક્ષેપો થયા છે.’

મુસાફરોનું કહેવું છે કે એરપોર્ટ પર કોઈ અધિકારી તેમને સંતોષકારક જવાબ આપી રહ્યા નથી, જેના કારણે ગુસ્સો અને લાચારીનો માહોલ છે. પરિસ્થિતિ હજુ પણ પડકારજનક હોવાનું એરપોર્ટ અધિકારીઓ જણાવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!