NATIONAL

બદનક્ષીને ગુનાની શ્રેણીમાંથી બહાર કરવાનો સમય આવી ગયો છે : સુપ્રીમ

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે કે બદનક્ષીને ગુનાની કેટેગરીમાંથી બહાર કરી દેવાય. એટલે કે બદનક્ષી બદલ ગુનાહિત કાર્યવાહી રદ કરવામાં આવે. સામાન્ય રીતે બદનક્ષી બદલ આર્થીક નુકસાન ભરપાઇની માગ અથવા કેદની સજાની માગ કરવામાં આવતી હોય છે. જેમાં ક્રિમિનલ બદનક્ષીને રદ કરવાની વાત સુપ્રીમ કોર્ટે કરી છે.

વેબપોર્ટલ ધ વાયર સામે જેએનયુના એક પ્રોફેસર દ્વારા દાખલ ક્રિમિનલ બદનક્ષીના મામલામાં સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી. ધ વાયર સામે મેજિસ્ટ્રેટ દ્વારા સમન્સ જાહેર થયા હતા જેને દિલ્હી હાઇકોર્ટ દ્વારા પણ માન્ય રાખ્યા હતા, હાઇકોર્ટના નિર્ણય સામે બાદમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. એક સમાચારને લઇને આ ક્રિમિનલ બદનક્ષીમનો કેસ કરાયો હતો જેમાં પ્રોફેસરે દાવો કર્યો હતો કે ધ વાયરે મારી બદનામી કરી છે.

સોમવારે આ મામલે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એમએમ સુંદ્રેશે અવલોકન કર્યું હતું કે મને લાગી રહ્યું છે કે હવે સમય આવી ગયો છે કે બદનક્ષીને ડિક્રિમિનલાઇઝ કરી દેવામાં આવે, એટલે કે તેને અપરાધની કેટેગરીમાંથી બહાર કરી દેવામાં આવે. વરીષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ધ વાયર તરફથી દલીલ કરી હતી, તેમણે પણ સુપ્રીમ કોર્ટના આ અવલોકનનું સમર્થન કર્યું હતું. જોકે સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલુ આ મૌખિક અવલોકન હતું. કોર્ટ દ્વારા સરકારને આ મામલે કોઇ જ આદેશ જારી કરવામાં નથી આવ્યા. જોકે અપીલને લઇને નોટિસ જારી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!