આગામી દિવસોમાં પડશે કડકડતી ઠંડી, પહાડો પર થશે હિમવર્ષા : હવામાન વિભાગ

દેશભરમાં હવામાનમાં પલટો આવી રહ્યો છે, કેટલાક સ્થળોએ કડકડતી ઠંડી પડી રહી છે, તો કેટલાક સ્થળોએ ગાઢ ધુમ્મસ પડી રહ્યું છે. દેશની રાજધાનીમાં હવામાન વિભાગે ગાઢ ધુમ્મસનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજધાનીમાં ઠંડી સતત વધી રહી છે, તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દિલ્હીમાં મહત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આગામી દિવસો માટે પણ દિલ્હીમાં હવામાન આવું જ રહેવાની આગાહી છે.
હવામાન વિભાગ પ્રમાણે, 30 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને મુઝફ્ફરાબાદમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. આ દરમિયાન, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમના પણ ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા પણ થઈ શકે છે. 28 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર દરમિયાન આંદામાન-નિકોબાર ટાપુઓ પર જોરદાર પવન અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને આસપાસના વિસ્તારોમાં ઘણા સ્થળોએ લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી નીચે નોંધાયું, જયારે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં તીવ્ર ઠંડીની સ્થિતિ યથાવત રહી, જ્યારે દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ઘણા વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 5 થી 10 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહ્યું.
આ દરમિયાન, કેટલાક રાજ્યોમાં તાપમાનમાં 1 થી 4 ડિગ્રીનો વધારો થયો, જ્યારે અન્ય રાજ્યોમાં 1 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, ઉત્તરપશ્ચિમ ભારતમાં લઘુત્તમ તાપમાન આગામી બે દિવસ સુધી યથાવત રહેશે. 2 થી 4 ડિગ્રીનો વધારો અને પછી થોડો ઘટાડો થવાની સંભાવના છે. મધ્ય અને પૂર્વ ભારતમાં, આગામી થોડા દિવસો સુધી તાપમાન લગભગ સ્થિર રહેશે અને પછી ધીમે ધીમે વધશે. દેશના અન્ય ભાગોમાં આગામી સાત દિવસ સુધી તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જોવા મળશે નહીં.
હવામાન વિભાગે ચેતવણી જારી કરી છે કે આગામી દિવસોમાં આસામ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, બિહાર અને કેટલાક પૂર્વોત્તર રાજ્યોમાં ગાઢથી ખૂબ જ ગાઢ ધુમ્મસ છવાઈ શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં શીત લહેરની સ્થિતિ સર્જાઈ શકે છે, અને પૂર્વી ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઠંડા દિવસોની સ્થિતિ વિકસી શકે છે.




