‘કોઈને પણ ન્યાયપાલિકાને બદનામ નહીં કરવા દઉં’ : ચીફ જસ્ટિસ સૂર્યકાંત

સુપ્રીમ કોર્ટે NCERTના પાઠ્યપુસ્તકોમાં ભ્રષ્ટાચાર અને કોર્ટમાં પેન્ડિંગ કેસ અંગે ચિંતા વ્યક્ત કરતું ચેપ્ટર સામેલ કરવા અંગે સ્વતઃ સંજ્ઞાન લીધું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે સુનાવણી દરમિયાન આ પગલા પર સખત નારાજગી વ્યક્ત કરી. CJIએ કડક ટિપ્પણી કરતાં કહ્યું કે, ‘હું કોઈને પણ ન્યાયપાલિકાને બદનામ નહીં કરવા દઉં.’ બીજી તરફ જસ્ટિસ જસ્ટિસ બાગચીએ આને બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ ગણાવ્યું.
આ અગાઉ બુધવારે ન્યાયપાલિકા પર આધારિત પાઠ્યપુસ્તકના ચેપ્ટર પર સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જૉયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની પીઠને કહ્યું હતું કે, ‘ધોરણ 8ના વિદ્યાર્થીઓને ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર અંગે ભણાવવામાં આવશે. આ ગંભીર ચિંતાનો વિષય છે.’
આ મામલે CJI સૂર્યકાંતે કહ્યું કે, ‘ચીફ જસ્ટિસ તરીકે મેં મારું કામ કર્યું છે અને સંજ્ઞાન લીધું છે. આ એક ઈરાદાપૂર્વકનું પગલું લાગે છે. હું વધારે કંઈ નહીં કહીશ. પ્લીઝ થોડી રાહ જુઓ. બાર અને બેન્ચ તમામ પરેશાન છે. હાઈકોર્ટના તમામ જજ પરેશાન છે. હું આ મામલાને જાતે જોઈશ. હું કોઈને પણ ન્યાયપાલિકાને બદનામ કરવાની મંજૂરી નહીં આપું. કાનૂન પોતાનું કામ કરશે.’ બીજી તરફ જસ્ટિસ બાગચીએ કહ્યું કે, ‘આ પુસ્તક બંધારણના બેઝિક સ્ટ્રક્ચરની વિરુદ્ધ લાગે છે.’
NCERTએ તાજેતરમાં જ ધોરણ 8 માટે એક નવો સિલેબસ જારી કર્યો હતો, જેમાં ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર એક નવું ચેપ્ટર સામેલ કરવામાં આવ્યું છે. NCERTના સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભ્રષ્ટાચાર, પેન્ડિંગ કેસોની મોટી સંખ્યા અને ન્યાયાધીશોનો અભાવ ન્યાયિક પ્રણાલી સામેના ”પડકારો”માં સામેલ છે.’ નવા પાઠ્યપુસ્તકમાં “ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર” શીર્ષકવાળા વિભાગમાં કહેવામાં આવ્યું છે કે, ‘ન્યાયાધીશો એક આચારસંહિતા દ્વારા બંધાયેલા હોય છે જે માત્ર કોર્ટમાં તેમના વર્તનને જ નહીં, પરંતુ કોર્ટરૂમની બહારના તેમના વર્તનને પણ નિયંત્રિત કરે છે.’
પુસ્તકમાં “આપણા સમાજમાં ન્યાયતંત્રની ભૂમિકા” શીર્ષક વાળા સુધારેલા પ્રકરણમાં લખ્યું છે કે, ‘ન્યાયપાલિકાના વિભિન્ન સ્તરો પર લોકોને ભ્રષ્ટાચારનો સામનો કરવો પડે છે. ગરીબો અને વંચિતો માટે આનાથી ન્યાય સુધી પહોંચવાનો મુદ્દો વધુ ગંભીર બની શકે છે. તેથી ન્યાયિક પ્રણાલીમાં વિશ્વાસ અને પારદર્શિતા વધારવા માટે રાજ્ય અને કેન્દ્ર સ્તર પર સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, જેમાં ટૅક્નોલૉજીના ઉપયોગ પણ સામેલ છે અને જ્યાં પણ ભ્રષ્ટાચારના મામલા સામે આવ્યા છે, તેની વિરુદ્ધ તાત્કાલિક અને નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવી રહી છે.’
આ સિલેબસમાં ભારતના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઈનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમણે જુલાઈ 2025માં કહ્યું હતું કે, ન્યાયપાલિકામાં ભ્રષ્ટાચાર અને ગેરવર્તણૂકની ઘટનાઓ લોકોના વિશ્વાસ પર નકારાત્મક અસર કરે છે. બીજી તરફ પુસ્તક પ્રમાણે સુપ્રીમ કોર્ટમાં અંદાજિત પેન્ડિંગ કેસોની સંખ્યા 81,000 છે, હાઇકોર્ટમાં 62.40 લાખ અને જિલ્લા તથા ગૌણ અદાલતોમાં 4.70 કરોડ કેસ પેન્ડિંગ છે.




