જમ્મુ કાશ્મીરમાં NC-કોંગ્રેસ ગઠબંધનની સરકારને બહુમતી

જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. સરેરાશ 63.45 ટકા મતદાન થયું હતું. આ વખતે ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરેન્સ અને કોંગ્રેસે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. જ્યારે મહબૂબા મુફ્તીની PDP તથા ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડી હતી. જમ્મુ કાશ્મીર વિધાનસભાના પરિણામોની શરૂઆત થઈ ચૂકી છે. NC-INC ગઠબંધને 48 જેટલી બેઠકો પર જીત મેળવી છે, ત્યારે, જમ્મુ કાશ્મીરમાં NC-INCની પૂર્ણ બહુમતીની સરકાર બનવાની ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે, બીજી તરફ ભાજપે 29 બેઠકો પર જીત મેળવી છે.
જમ્મુ અને કાશ્મીર કોંગ્રેસના પ્રમુખ તારિક હમીદ કરાએ કહ્યું, “હું ગણતરીના વલણોથી ખૂબ જ ખુશ છું. હું કહી રહ્યો છું કે અમે 50 થી વધુ બેઠકો જીતીશું. અમે એક સ્થિર અને સર્વસમાવેશક સરકાર ઇચ્છીએ છીએ, જેના દ્વારા વધુ મજબૂત રીતે આગળ વધી શકીએ, કોઈપણ વ્યક્તિ અથવા રાજકીય પક્ષ જે ભાજપને સત્તાના કોરિડોરથી દૂર રાખવાની તરફેણમાં હોય. ગઠબંધનનું હાર્દિક સ્વાગત છે.’
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ઉમેદવાર ઈલ્તિજા મુફ્તીએ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘હું લોકોનો નિર્ણય સ્વીકારું છું.’ ચૂંટણી પંચના તાજેતરના આંકડા મુજબ, તે શ્રીગુફવારા-બિજબેહરા વિધાનસભા બેઠક પરથી પાછળ ચાલી રહી છે.
જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામોના વલણો ચોંકાવનારા છે. ભાજપે કલમ 370 હટાવવાનો નિર્ણય લીધો, પરંતુ તે નિર્ણય લાભદાયી જણાતો નથી. જમ્મુ-કાશ્મીર ભાજપના સહ-પ્રભારી આશિષ સૂદ મત ગણતરીના અંદાજો જોયા બાદ જણાવ્યું કે, ‘લોકો જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું, પરંતુ અત્યારે કંઈપણ કહેવું મુસ્કેલ છે.’



