GUJARATVALSADVALSAD CITY / TALUKO

વલસાડમાં નર્સિંગ કોલેજના નવા મકાન માટે શ્રી નૂતન કેળવણી મંડળને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રૂા.૫.૫૦ કરોડના દાનની જાહેરાત કરાઈ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવા શૈક્ષણિક સંકુલમાં આધુનિકીકરણની સાથે વિદ્યાર્થીઓ માટે વધુ સારી સુવિધાઓ ઉભી કરવામાં આવશે

વલસાડ,તા.૮- વલસાડના શ્રી નૂતન કેળવણી મંડળને રિલાયન્સ ફાઉન્ડેશના એક્ઝિક્યુટીવ ડાયરેકટર ગિરીશભાઇ વશી (અબ્રામા, વલસાડ)ના સંનિષ્ઠ પ્રયાસોથી રિલાયન્સના અનંતભાઇ અંબાણી તરફથી અત્યાર સુધીના સૌથી મોટા રૂા.૫.૫૦ કરોડના દાનની જાહેરાત મંડળના ટ્રસ્ટીઓની મળેલી બેઠકમાં કરવામાં આવી છે.મંડળની બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીઓની બેઠકમાં ગીરીશભાઈ વશીએ દાનની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આ ભંડોળનો ઉપયોગ શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત નર્સિંગ કોલેજના નવા મકાન બાંધકામ માટે. આધુનિકીકરણ અને વિદ્યાર્થીઓને વધુ સારા શિક્ષણ માટેની સુવિધાઓ ઉભી કરવાની દૃષ્ટિએ કરવામાં આવશે. શ્રી નૂતન કેળવણી મંડળના સર્વે સભ્યોએ  અનંતભાઈ અંબાણી, ગિરીશભાઈ વશી અને રિલાયન્સ ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.આ ઉદાર સખાવત વલસાડ જિલ્લામાં શૈક્ષણિક પ્રસાર અને પ્રચારના પ્રયત્નોને વધુ પ્રબળ બનાવશે અને સમાજને વધુ સક્ષમ આરોગ્ય સેવાઓ માટે જરૂરી માનવબળ તૈયાર કરવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. આ બેઠકમાં મંડળના ચેરમેન સ્વાતિબેન લાલભાઈ, સેક્રેટરી કિર્તીભાઈ દેસાઈ, ઉપપ્રમુખ કિશન દેસાઈ, જનક દેસાઈ અને ટ્રસ્ટી મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા..ઉલ્લેખનીય છે કે, વલસાડના શ્રી નૂતન કેળવણી મંડળ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કાર્યરત સંસ્થા છે. જેની સ્થાપના વલસાડના સપુત, ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારતરત્નશ્રી મોરારજીભાઈ દેસાઈના પ્રમુખપણા હેઠળ ઇ.સ. ૧૯૫૬ માં કરવામાં આવી હતી. આ સંસ્થામાં આજદિન સુધીનું સૌથી મોટુ દાન અનંતભાઇ અંબાણી દ્વારા મળનાર હોવાથી ટ્રસ્ટી મંડળમાં ખુશીની લહેર પ્રસરી છે.

Back to top button
error: Content is protected !!