MBBS વિદ્યાર્થિની સાથે કેમ્પસમાં જ સામૂહિક દુષ્કર્મ !!!
પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં એક પ્રાઈવેટ મેડિકલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી MBBS વિદ્યાર્થિની સાથે કેમ્પસમાં જ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. વિદ્યાર્થિની ઓડિશાના જલેશ્વરની રહેવાસી છે અને દુર્ગાપુરના શૌભાપુર વિસ્તારમાં સ્થિતિ મેડિકલ કોલેજમાં MBBSનો અભ્યાસ કરતી હતી. વિદ્યાર્થિની સાથે દુષ્કર્મની ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, ગત શુક્રવારે (10 ઓક્ટોબર) રાત્રે 8:30 વાગ્યાની આસપાસ વિદ્યાર્થિની તેની ક્લાસમેટ સાથે કેમ્પસની બહાર જમવા ગઈ હતી. જ્યારે વિદ્યાર્થિની પરત આવી ત્યારે બે-ત્રણ યુવક વચ્ચે આવીને વિદ્યાર્થિની પાસેથી ફોન છીનવી લીધો હતો. જ્યારે અન્ય યુવકે વિદ્યાર્થિની સુનસાન જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર ઘટના બાદ પીડિતાને એજ મેડિકલ કોલેજમાં દાખલ કરી હતી. બનાવને લઈને પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પીડિતાનું નિવેદન લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાષ્ટ્રીય મહિલા આયોગ શનિવારે (11 ઓક્ટોબર) દુર્ગાપુર મેડિકલ કોલેજના ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આયોગના સદસ્યએ જણાવ્યું કે, ‘રાજ્યમાં આ પ્રકારની અપરાધ વધી રહ્યા છે, કારણ કે આરોપીને સજા થતી નથી.’
આરોગ્ય શિક્ષણ નિયામકએ ખાનગી મેડિકલ કોલેજને તાત્કાલિક રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે. આરોગ્ય ભવન સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસ તપાસ પર પણ નજર રાખવામાં આવી રહી છે. પીડિતાના પિતાએ કહ્યું કે, ‘જો હોસ્પિટલમાં સુરક્ષા હોત તો મારી દીકરીની આવી હાલત ન થઈ હોત.’ સમગ્ર ઘટનાને લઈને વિદ્યાર્થીઓએ મૌન વિરોધ પ્રદર્શન કર્યો હતો.