વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાની પ્રાથમિક શાળા ભુરભેંડીમાં અંધેર વહીવટ સામે આવ્યો છે. ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાની પાંચમાં ધોરણ સુધીની ભૂરભેંડી પ્રાથમિક શાળામાં માત્ર ને માત્ર એક જ વિદ્યાર્થી સામે બે જેટલા શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે.ત્યારે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનો અંધેર વહીવટ ચલાવવામાં આવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે.ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા સહિતની વિગતો વાળી માસિક ટપાલ દર મહિને કેન્દ્ર શાળા મારફતે તાલુકામાં પહોંચતી હોય છે.અને તેના વિદ્યાર્થીઓની સંખ્યાની વિગતો ઉપલબ્ધ જ હોય છે તેમ છતાં વઘઈ તાલુકાના રંભાસ કેન્દ્રની ભૂરભેંડી પ્રાથમિક શાળામાં એક થી પાંચ ધોરણમાં માત્ર ને માત્ર એક જ વિદ્યાર્થીની સંખ્યા હોય તેમ છતાં બે – બે શિક્ષક અહી ફરજ બજાવી રહ્યા છે.શાળાની માસિક ટપાલ ઉપરાંત સી. આર.સી.,બી.આર.સી., ટી.પી. ઇ.ઓ દ્વારા અવારનવાર શાળાની મુલાકાતો પણ લેવાની હોય છે. તેમ છતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગને ભૂરભેંડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થી અને શિક્ષકોની સંખ્યા ધ્યાનમાં ન આવી હશે ? કે પછી ટી.પી.ઇ.ઓને આ અંગે કોઈ પણ પ્રકારની જાણ જ નથી ? તેઓ ખરેખર અંધારામાં છે કે પછી વહીવટી કુશળતાનો અભાવ છે ? આવા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. વધુમાં ડાંગ જિલ્લામાં જિલ્લા ફેર બદલી, નિવૃત્તિના કારણો આ નવા શૈક્ષણિક સત્રમાં શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. તો બીજી તરફ ભૂરભેંડી પ્રાથમિક શાળામાં એક બાળક સામે બે બે શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે.જ્યારે શાળામાં વિદ્યાર્થીની સંખ્યા એક જ હોય તેવામાં આ શાળાને નજીકની શાળામાં વિલીનીકરણ કરવાનું નથી કે પછી નિર્ણય શક્તિનો અભાવ હશે ? આ સમગ્ર કારભારમાં શિક્ષણ સમિતિનો અણધડ કારભાર સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે.વઘઇ તાલુકાની ભૂરભેંડી પ્રાથમિક શાળામાં એક જ વિદ્યાર્થી સામે બે બે શિક્ષકો હોય અને તેઓને તો ઘી કેળા હોય તેવું જણાઈ રહ્યું છે. પરંતુ શિક્ષણ સમિતિના આ પ્રકારના બેદરકારી ભર્યા કારભારમાં જિલ્લામાં શિક્ષણની ઘોર ખોદાઈ રહી છે.અને આવા વહીવટમાં ક્યાંથી વાંચશે ડાંગ અને ક્યાંથી ભણશે ડાંગ ? તેવો ઘાટ સર્જાયો છે.જોકે હવે આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવશે કે નહિ તે તો આવનાર સમયમાં જોવુ જ રહ્યુ.આ બાબતે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિજયભાઈ દેશમુખે જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લામાં એક અથવા બે ત્રણ બાળક હોય તેવી ચાર જેટલી શાળા મારા ધ્યાનમાં છે.આ અંગેનો રિપોર્ટ પણ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ દ્વારા મને જુલાઈમાં આપેલ છે.પરંતુ આ શાળા બંધ કરી શકાઈ તેમ નથી.આ ચાર શાળાનાં બાળકોને નજીકની સ્કૂલમાં મર્જ કરવાની સૂચના આપી જ છે.તથા શિક્ષકોને પણ નજીકની શાળામાં 15મી ઓગસ્ટ સુધીમાં કામગીરી સોંપવાની સૂચના આપી છે.અહી એક અથવા બે બાળકો સામે બે શિક્ષકો ફરજ બજાવે છે જે રાજય સરકારની પોલિસીની અને નીતિ વિષયક મેટર છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે શિક્ષકોની બદલીની સતા નથી.રાજય સરકાર દ્વારા જે તે શાળાઓમાં મહેકમ પ્રમાણે શિક્ષકોની ફાળવણી કરાઈ છે..