નિર્ભય ન્યૂઝનાં પત્રકાર દ્વારા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી અને આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતા આવેદનપત્ર અપાયું..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નિર્ભય ન્યૂઝ પરના એક ઈન્ટરવ્યુ દરમિયાન વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દ્વારા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી અને સમગ્ર આદિવાસી સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી નિમ્નકક્ષાની ટિપ્પણીથી ડાંગ જિલ્લામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ મામલે, ડાંગ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ તુષાર કામડીએ વઘઈના મામલતદારને આવેદનપત્ર પાઠવીને જગદીશ મહેતા સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૨ જુલાઈ, ૨૦૨૫ ના રોજ નિર્ભય ન્યૂઝના માધ્યમથી એક વીડિયો જાહેર થયો હતો, જેમાં વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા, આદિવાસી સમાજ અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી વિશે વાંધાજનક ભાષાનો ઉપયોગ કરતા જોવા મળ્યા હતા. મહેતાએ તુષાર ચૌધરીની જીવનશૈલી અને આદિવાસી સમાજની ઓળખને સરખાવતા કહ્યું હતું કે, “ક્યા મોટા બંગલા અને હાઈફાઈ લાઈફસ્ટાઈલ જીવતા તુષારભાઈ ચૌધરી અને ક્યાં જંગલમાં રહેતા, તીર-કામઠા લઈને પ્રાણીઓ સાથે બાધતા આદિવાસીઓ.” આ નિવેદનથી આદિવાસી સમાજની ગૌરવ અને ઓળખને ઠેસ પહોંચી છે, જેના કારણે સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.જગદીશ મહેતાની આ ટિપ્પણી બાદ ડાંગ યુથ કોંગ્રેસના પ્રમુખ તુષાર કામડીએ તાત્કાલિક પગલા ભર્યા હતા. તેમણે વઘઈના મામલતદારને આવેદનપત્ર સુપરત કરીને જગદીશ મહેતા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ જગદીશ મહેતાએ પત્રકારત્વના સિદ્ધાંતોનું ઉલ્લંઘન કર્યું છે અને જાતિવાદી માનસિકતા દર્શાવી છે. યુથ કોંગ્રેસે આ નિવેદન બદલ તાત્કાલિક માફીની માંગણી કરી છે અને જણાવ્યું છે કે જો કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં પૂતળા દહન સહિતના ઉગ્ર કાર્યક્રમો પણ યોજવામાં આવશે.આ આવેદનપત્ર સુપરત કરવા દરમિયાન ડાંગ યુથ કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ડાંગ યુથ કોંગ્રેસ પ્રમુખ તુષાર આર. કામડી, પ્રદેશ મહામંત્રી તબરેઝ અહેમદ, વઘઈના પૂર્વ સરપંચ મોહનભાઈ ભોયે, વઘઈ તાલુકા યુવા પ્રમુખ વિકાસ ભાયે, અને યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ અંકિત ભોયે, નીતિન ભોયે, રોહિત, મીત, અને નિકુંજ સહિતના લોકો હાજર રહ્યા હતા.આ ઘટનાએ પત્રકાર જગત અને સમાજમાં એક નવી ચર્ચા છેડી છે.
				


