‘VB–જી રામ જી’ બિલને રાષ્ટ્રપતિએ આપી મંજૂરી, ગ્રામિણ પરિવારોને 125 દિવસનું વેતન આધારિત રોજગાર મળશે

ગ્રામિણ ભારત માટે એક મહત્વપૂર્ણ કાયદાકીય ફેરફાર થયો છે. વિકસિત ભારત–રોજગાર અને આજિવિકા મિશન (ગ્રામિણ), જેને ‘VB–જી રામ જી’ તરીકે ઓળખવામાં આવે છે, તે હવે સત્તાવાર રીતે કાયદો બની ગયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આ વિધેયકને મંજૂરી આપતા જ મનરેગાની જગ્યાએ નવો કાયદો અમલમાં આવ્યો છે. આ કાયદા હેઠળ હવે ગ્રામિણ પરિવારોને વર્ષમાં 100 દિવસના બદલે 125 દિવસનું વેતન આધારિત રોજગાર મળવાનું છે, જેનાથી ગ્રામિણ અર્થતંત્રને મોટો સહારો મળશે.
સંસદમાં ભારે ચર્ચા અને વિરોધ વચ્ચે આ વિધેયક પસાર કરવામાં આવ્યો હતો. વિરોધ પક્ષોએ મનરેગાનું નામ બદલવા અને તેમાં મહાત્મા ગાંધીનું નામ હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું હતું કે ગાંધીજીના નામ સાથે જોડાયેલી યોજના બદલવી એ ઐતિહાસિક ભૂલ છે. જોકે સરકાર તરફથી આ તમામ આરોપોને સ્પષ્ટપણે નકારવામાં આવ્યા હતા.
ગ્રામિણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાને સંસદમાં ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે કોંગ્રેસ સરકારોએ મનરેગાને તેની સંપૂર્ણ શક્તિ સાથે અમલમાં મૂકી નહોતી. તેમણે દાવો કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ યોજના વધુ અસરકારક રીતે અમલમાં આવી છે. ચૌહાન મુજબ, યુપીએ સરકારના સમયમાં જ્યાં 1660 કરોડ માનવ-દિવસનું સર્જન થયું હતું, ત્યાં એનડીએ સરકાર દરમિયાન આ આંકડો વધીને 3210 કરોડ માનવ-દિવસ સુધી પહોંચ્યો છે.
મહિલાઓની ભાગીદારી અંગે પણ સરકારે આંકડા રજૂ કર્યા હતા. અગાઉ મહિલાઓની ભાગીદારી આશરે 48 ટકા હતી, જે હવે વધીને 56.73 ટકા સુધી પહોંચી છે. સરકારનું કહેવું છે કે ‘જી રામ જી’ કાયદો મહિલાઓને વધુ રોજગાર તકો આપશે અને તેમની આર્થિક સ્વતંત્રતા મજબૂત બનાવશે.
નવો ‘VB–જી રામ જી’ કાયદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત 2047’ના દ્રષ્ટિકોણ સાથે સીધો જોડાયેલો છે. આ કાયદાનો મુખ્ય હેતુ ગ્રામિણ વિસ્તારોમાં રોજગાર સુરક્ષા, સ્થાનિક સ્તરે કામના અવસરો, ખેતીની ઉત્પાદકતા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. તેમાં પર્યાવરણ સંરક્ષણ, પાણી સંરક્ષણ, જમીન સુધારણા અને સ્થાનિક સંસાધનોના અસરકારક ઉપયોગ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
સરકારનું માનવું છે કે આ કાયદાથી ગ્રામિણ પરિવારોની આવકમાં સ્થિરતા આવશે અને શહેરોમાં થતા સ્થળાંતરને પણ રોકવામાં મદદ મળશે. ખેતી અને બિન-ખેતી ક્ષેત્ર વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ પણ આ કાયદાનો મહત્વપૂર્ણ હિસ્સો છે. વિપક્ષી પક્ષો હજુ પણ આ કાયદાને લઈને રાજકીય રીતે સક્રિય છે અને ભવિષ્યમાં પણ આ મુદ્દે ચર્ચા થતી રહેશે, પરંતુ સરકાર દ્રઢપણે માને છે કે ‘જી રામ જી’ કાયદો ગ્રામિણ ભારત માટે એક નવો યુગ શરૂ કરશે અને રોજગારની ગેરંટી સાથે સાથે જીવનની ગુણવત્તા પણ સુધારશે.




