સ્કૂલ-કૉલેજ, હૉસ્પિટલો, બસ-રેલવે સ્ટેશનો પરથી રખડતા ઢોર-કૂતરા હટાવો : સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે દેશભરમાં શૈક્ષણિક સંસ્થાઓ, હૉસ્પિટલો અને હાઇવે અને રસ્તાઓ સહિત સંસ્થાકીય સ્થળોએ રખડતાં કૂતરા કરડવાના કેસોમાં થઈ રહેલા વધારાની ગંભીર નોંધ લીધી છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમ નાથ, સંદીપ મહેતા અને એન. વી. અંજારિયાની બેન્ચે આ અંગે મહત્ત્વના નિર્દેશો જાહેર કર્યા છે. બેન્ચે તમામ સંબંધિત અધિકારીઓને આદેશ આપ્યો છે કે તે સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ હૉસ્પિટલોના પરિસરમાં રખડતાં કૂતરાને પ્રવેશતા અટકાવવા માટે તાત્કાલિક પગલાં લે, જેથી તેમના હુમલા રોકી શકાય.
સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે, આવા સંસ્થાકીય પરિસરોમાંથી પકડાયેલા રખડતા કૂતરાને નિયુક્ત આશ્રયસ્થાનોમાં લઈ જવા જોઈએ. આ ઉપરાંત કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પકડાયેલા કૂતરા તે જ વિસ્તારમાં પાછા છોડવા ન આવે.
બીજી તરફ સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઇકોર્ટના ચુકાદાને દોહરાવતા કહ્યું હતું કે, હાઇવે અને એક્સપ્રેસવે પરથી પણ રખડતાં ઢોર અને પ્રાણીઓને દૂર કરો અને તેમને આશ્રયસ્થાનોમાં મોકલો. કોર્ટે અધિકારીઓને એવા હાઇવેના વિસ્તારોને ઓળખવા માટે એક ખાસ ઝુંબેશ ચલાવવાનો પણ નિર્દેશ આપ્યો છે, જ્યાં રખડતાં પ્રાણીઓ વારંવાર જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, ત્રીજી નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે સંસ્થાકીય વિસ્તારોમાં કૂતરા કરડવાના ગંભીર જોખમને અટકાવવા માટે નિર્દેશ આપવાની વાત કહી હતી, ખાસ કરીને જ્યાં સ્ટાફ રખડતાં કૂતરાને ખવડાવે છે અને તેમને પરિસરમાં રહેવા માટે પ્રોત્સાહન આપે છે. કોર્ટ દિલ્હીમાં કૂતરા કરડવાથી હડકવા ફેલાય છે તે અંગેના મીડિયા અહેવાલ બાદ 28મી જુલાઈના રોજ શરુ કરાયેલા સુઓ મોટો કેસની સુનાવણી કરી રહી છે.
કોર્ટે રખડતાં કૂતરાના આ મુદ્દાને માત્ર દિલ્હી-રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રથી આગળ વધારીને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ કેસમાં પક્ષકાર બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ કેસની આગામી સુનાવણી 13મી જાન્યુઆરી માટે નક્કી કરવામાં આવી છે.




