NATIONAL

લિકર પોલિસી કેસમાં કેજરીવાલ-મનીષ સિસોદિયા આરોપ મુક્ત, રાઉઝ એવન્યુ કોર્ટનો ચુકાદો

દિલ્હીની ચર્ચિત દારૂ નીતિ કેસમાં કેજરીવાલ સહીતનાને મોટી કાનૂની રાહત મળી છે. રાઉઝ એવન્યુ કોર્ટે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલl અને પૂર્વ ઉપમુખમંત્રી મનીષ સિસોદિયાને તમામ આરોપોમાંથી મુક્ત જાહેર કર્યા છે. કોર્ટના મત મુજબ રજૂ કરાયેલા પુરાવા આરોપ સાબિત કરવા પૂરતા નહોતા.

ચુકાદામાં કોર્ટએ જણાવ્યું કે, માત્ર આક્ષેપો પૂરતા નથી; આરોપોને મજબૂત અને વિશ્વસનીય પુરાવાથી સાબિત કરવું જરૂરી છે. તપાસ એજન્સી દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજો અને પુરાવાઓમાં ખામીઓ હોવાનું કોર્ટએ નોંધ્યું. સૌપ્રથમ એક્સાઇઝ વિભાગના ભૂતપૂર્વ કમિશનરને રાહત આપવામાં આવી ત્યારબાદ મનીષ સિસોદિયા અને અંતે અરવિંદ કેજરીવાલને પણ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા.

આ કેસ 2022-23ની દિલ્હી એક્સાઇઝ નીતિ સાથે જોડાયેલો છે. Central Bureau of Investigation (CBI) અને Enforcement Directorate (ED) દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ એજન્સી તરફથી સંકેત આપવામાં આવ્યો છે કે તેઓ આ ચુકાદાને ઉચ્ચ અદાલતમાં પડકારશે. આદેશનો વિગતવાર અભ્યાસ કર્યા બાદ હાઇકોર્ટમાં અપીલ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

ચુકાદા બાદ અરવિંદ કેજરીવાલ ભાવુક દેખાયા હતા. તેમણે કહ્યું કે તેમના વિરુદ્ધનો કેસ રાજકીય પ્રેરિત હતો અને તેમની છબી ખરાબ કરવા માટે બનાવવામાં આવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યા કે, આમ આદમી પાર્ટીને નબળી પાડવા પ્રયાસ કરવામાં આવ્યો. કેજરીવાલે કહ્યું કે, લાંબા સમય સુધી જેલમાં રાખવામાં આવ્યા હોવા છતાં તેઓ સત્યની લડત લડતા રહ્યા.

કોર્ટએ ખાસ નોંધ્યું કે, જ્યારે કોઈ બંધારણીય પદાધિકારી સામે ગંભીર આરોપો થાય, ત્યારે પુરાવાની કસોટી વધુ મજબૂત હોવી જોઈએ. માત્ર દાવાઓના આધારે કોઈને દોષિત ઠેરવી શકાય નહીં.આ ચુકાદો આમ આદમી પાર્ટી માટે મોટી રાહત માનવામાં આવી રહ્યો છે. જોકે, આગળની કાનૂની પ્રક્રિયા પર બધાની નજર રહેશે.

Back to top button
error: Content is protected !!