મહાકુંભમાં નાસભાગ બાદ ભડક્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી કહ્યું સરકારે સત્તા છોડી દેવી જોઈએ

ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી નાસભાગ બાદ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર ચારે બાજુથી ટીકાનો સામનો કરી રહી છે. રાજકીય પક્ષો બાદ હવે સંતો-મહંતો તરફથી પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે. એવામાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમને આ અંગે કહ્યું કે, ‘વર્તમાન સરકારને હવે સત્તામાં રહેવાનો નૈતિક અધિકાર નથી.’
શંકરાચાર્યએ પ્રયાગરાજ મહાકુંભમાં થયેલી ભાગદોડ પર મોટું નિવેદન આપતા કહ્યું કે, ‘નાસભાગની ઘટનાએ સરકારની વ્યવસ્થાને ખુલ્લી પાડી દીધી છે. અધિકારીઓ પહેલાથી જ મહાકુંભમાં 40 કરોડ અને મૌની અમાવસ્યા પર 10 કરોડ ભક્તોના આગમનનો દાવો કરી રહ્યા હતા. તે મુજબ, તેઓએ વ્યાપક તૈયારીઓ કરવી જોઈતી હતી.’
શંકરાચાર્યએ આ ઘટના અંગે વધુમાં કહ્યું કે, ‘આ ઘટના દર્શાવે છે કે તૈયારીઓ પૂર્ણ ન હતી અને લોકોના જીવ સાથે રમત રમાઈ હતી. જો અમારા ઘરે એક કાર્યક્રમમાં 1000 લોકો માટે જોગવાઈ છે, તો આપણે ત્યાં 5000 લોકોને આમંત્રણ ન આપવું જોઈએ. મહાકુંભમાં આવું જ બન્યું.’
શંકરાચાર્યએ મહાકુંભમાં વ્યવસ્થાને લઈને કહ્યું કે, ‘સારી વ્યવસ્થાની જાણકારી મળ્યા બાદ ભક્તો અહીં આવ્યા પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર તેમના માટે કોઈ નક્કર વ્યવસ્થા નહોતી.
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનું કહેવું છે કે, ‘સીએમ યોગી સહિત તમામ સરકારી સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘટના વિશે સાચી માહિતી આપવાને બદલે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં તેમના જેવા ધર્મગુરુને પણ આ ઘટનાની જાણ નહોતી. જો ઘટનાની માહિતી યોગ્ય સમયે મળી હોત, તો લોકોએ પરંપરાઓનું પાલન કર્યું હોત.’
શંકરાચાર્યએ વર્તમાન સરકારની વ્યવસ્થાની ટીકા કરતા કહ્યું કે, ‘આ વર્તમાન સરકારની મોટી નિષ્ફળતા છે. આવી સરકારને સત્તા પર રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી, સરકારે પોતાની રીતે પદ છોડવું જોઈએ અથવા જવાબદાર લોકોએ આ મામલે હસ્તક્ષેપ કરવો જોઈએ. આ એક એવી દુ:ખદ ઘટના છે જેણે સનાતનીઓની સુરક્ષા પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે.’
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનું કહેવું છે કે, ‘જો આ ઘટના માટે જવાબદાર લોકો સામે પગલાં નહીં ભરાય તો આવનારા દિવસોમાં મોટી ઘટના બનવાની શક્યતાઓ નકારી શકાય નહીં. આવા કિસ્સામાં ખૂબ જ કડક કાર્યવાહી જરૂરી છે.’



