NATIONAL

શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદને જાનથી મારવાની ધમકી, કહ્યું- સંન્યાસીને મોતથી શેનો ડર?

 બાગેશ્વર ધામ સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ તાજેતરમાં એક નિવેદન આપ્યું હતું કે મહાકુંભ ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકોએ મોક્ષ મળ્યો છે. તેમના આ નિવેદનની ચારેય તરફ ટીકા થઈ રહી છે. હવે ઉત્તરાખંડમાં જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતુ કે, ‘આ રીતે મુક્તિ મળી શકતી નથી. જ્યારે લોકો સંકલ્પ લે છે અને પોતાનો જીવ આપે છે, ત્યારે તેમને મુક્તિ મળે છે; સંકલ્પ વિના મૃત્યુ મુક્તિ તરફ દોરી શકતું નથી.’

એક મીડિયા ઈન્ટરવ્યુમાં શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે જણાવ્યું હતું કે, ‘અમે આ બાબતે પંડિતો સાથે વાત કરી. તેમણે પૂછ્યું, શું આ રીતે ભીડમાં કચડીને કોઈને મુક્તિ મળશે? તો પંડિતોએ અમને કહ્યું અને અમે પોતે પણ શાસ્ત્રોમાં જોયું છે કે જ્યાં સુધી આપણે સંકલ્પ ન કરીએ અને પદ્ધતિનું પાલન ન કરીએ ત્યાં સુધી તે પ્રાપ્ત થઈ શકતું નથી. અહીં ભાગદોડમાં મૃત્યુ પામેલા લોકો એ સંકલ્પ સાથે નહોતા આવ્યા કે આપણે મુક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. જો તમે આ સંકલ્પ સાથે આવ્યા હોત અને મૃત્યુ પામ્યા હોત, તો તમને મુક્તિ મળી હોત.’

મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે શંકરાચાર્યએ સરકાર પર સવાલો ઊઠાવ્યા છે. તેમણે ઉત્તર પ્રદેશ સરકાર પર કુંભની વ્યવસ્થામાં બેદરકારીનો આરોપ લગાવ્યો અને જણાવ્યું હતું કે, અકસ્માતમાં મૃત્યુઆંક છુપાવવામાં આવી રહ્યો છે. વાસ્તવિક આંકડો જાહેર કરવામાં આવી રહ્યો નથી.’

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતુ કે, ‘મને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. સંન્યાસી મૃત્યુથી કેમ ડરે. આપણે કયા દુન્યવી સુખોનો આનંદ માણવા માંગીએ છીએ?’

Back to top button
error: Content is protected !!