સોનમ વાંગચૂક TIME મેગેઝિનની 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સામેલ

TIME મેગેઝિન દ્વારા ‘ધ 100 મોસ્ટ ઈન્ફ્લુએન્શિયલ ક્લાઈમેટ લીડર્સ 2025’ની યાદી જાહેર કરાઇ છે. આ ક્લાઇમેટ લીડર્સમાં ભારતીય પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકની પણ પસંદગી કરાઇ છે. મેગેઝિને વાંગચુકને આ યાદીમાં સ્થાન આપવા અંગે કહ્યું કે, ‘સોનમ વાંગચુક ભારતના જાણીતા એન્જિનિયર, શિક્ષણવિદ્ અને સામાજિક કાર્યકર છે.’ જો કે, તેઓ છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી દેશની સુરક્ષા સામેના ખતરાના આરોપસર જેલમાં બંધ છે. આ દરમિયાન વાંગચુકના પત્નીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી સરકાર પર પ્રહાર કર્યો છે.
નોંધનીય છે કે, લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો વિરોધ કરતી વખતે, ગયા મહિને જ સોનમ વાંગચુકની ધરપકડ કરાઈ હતી. જે પછી હવે TIME દ્વારા સન્માન અપાતા વાંગચુકના પત્ની ગીતાંજલિ આંગમોએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકતા લખ્યું છે કે, ‘ટાઈમ મેગેઝિને દુનિયાના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાં વાંગચુકને સામેલ કર્યા છે અને આપણી સરકાર તેમને એન્ટિ નેશનલ કહી રહી છે. તેઓ કહે છે કે, વાંગચુકથી દેશની સુરક્ષાને ખતરો છે.’
નોંધનીય છે કે, વાંગચુકે કૃત્રિમ ગ્લેશિયર બનાવવાની ટેકનિક શોધીને લદાખની પાણીની તંગીની મુશ્કેલીને હળવી કરી દીધી છે. આ ઉપરાંત તેઓ છેલ્લા એક દાયકાથી પ્રાચીન સાંસ્કૃતિક પરંપરાઓ તેમજ પર્યાવરણની જાળવણી અંગે કામગીરી કરી રહ્યા હતા. તેમણે સ્થાનિક લોકો માટે ઇકો-ફ્રેન્ડલી રહેઠાણ, ઓર્ગેનિક ખેતી અને સોલાર વિલેજ જેવા પ્રોજેક્ટ્સ પર પણ કામ કર્યું. તેમણે એક યુનિવર્સિટીની સ્થાપના કરી હતી, જે યુવાનોને શિક્ષણ, સંસ્કૃતિ અને પર્યાવરણ સામેના પડકારો દૂર કરવા અંગે ટ્રેનિંગ આપે છે.
લદાખ અને સિયાચિન જેવા વિસ્તારોમાં હાડ થીજાવતી ઠંડીમાં ભારતીય સૈનિકોને માઇનસ 20 થી માઇનસ 40 ડિગ્રી સુધીના તાપમાનમાં ફરજ નિભાવવી પડે છે. સોનમ વાંગચુકે વર્ષ 2020માં ભારતીય સૈનિકોને ઠંડીથી રક્ષણ આપવા માટે સોલાર હીટેડ મિલિટરી ટેન્ટ વિકસાવ્યું હતું. જે દિવસ દરમિયાન સૂર્યની ગરમી સંગ્રહ કરે છે અને રાતે માઇનસ 14 ડિગ્રી જેટલા તાપમાનમાં પણ ટેન્ટની અંદર 15 ડિગ્રી જેટલું તાપમાન જાળવે છે.
નોંધનીય છે કે, સોનમ વાંગચુક છેલ્લા કેટલાક સમયથી લદાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા સહિતની માગ સાથે વિરોધ કરી રહ્યા હતા. આ મુદ્દે તેઓ 10 સપ્ટેમ્બર, 2025થી ભૂખ હડતાળ પણ શરૂ કરી હતી અને 24 સપ્ટેમ્બરે લેહ બંધનું આહ્વાન કર્યું હતું. જો કે, પછીથી આ આંદોલન હિંસક બની ગયું હતું. જે પછી પોલીસે સોનમ વાંગચુકની ધરપકડ કરી હતી.
ગૃહ મંત્રાલયે હિંસા માટે સોનમ વાંગચુકને જવાબદાર ઠેરવ્યા હતા. જે પછી રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ તેમની ધરપકડ કરાઇ હતી. સરકારનો આરોપ છે કે દેખાવકારો હિંસક બન્યા અને બેકાબૂ થઈ ગયા ત્યારે સોનમ વાંગચુકે કોઈને રોક્યા નહીં અને ધરણાસ્થળથી ઉઠીને ચૂપચાપ જતા રહ્યા હતા. આ સિવાય તેમના કેટલાક નિવેદનોને પણ હિંસાનું કારણ માનવામાં આવે છે.




