ઉપરાષ્ટ્રપતિ પદના વિપક્ષના ઉમેદવાર સુદર્શન રેડ્ડીએ નોમિનેશન ફાઇલ કર્યું, I.N.D.I.A.ના નેતાઓ રહ્યા હાજર

દેશના ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે વિપક્ષના ગઠબંધન I.N.D.I.A તરફથી સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવી છે. આ અવસર પર કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સપા નેતા રામગોપાલ યાદવ, એનસીપી પ્રમુખ શરદ પવાર, શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉત સહિત વિપક્ષના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગઈકાલે એનડીએ ગઠબંધનના સીપી રાધાકૃષ્ણને આ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી.
બી સુદર્શન રેડ્ડીએ ઉમેદવારી નોંધાવતાં પહેલાં સંસદ ગૃહની બહાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ નમન કર્યું હતું. તેમણે સ્વતંત્રતા સેનાની અને મહાન નેતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સૂત્રો અનુસાર, સુદર્શન રેડ્ડીએ ચાર સેટમાં ઉમેદવારી નોંધાવી છે. જેમાં 20 પ્રસ્તાવક અને 20 સમર્થક સામેલ રહ્યા છે.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે મતદાન કરનારાઓ સાંસદો અને નામાંકિત સભ્યોની સંખ્યાની દૃષ્ટિએ એનડીએનું પલડું ભારે જણાય છે. નંબર ગેમમાં વિપક્ષ ભલે પાછળ હોય પણ તેણે આકરી ટક્કર આપવા માટે પૂરતો પ્રયાસ કર્યો છે. વિપક્ષ ગઠબંધને દક્ષિણ vs દક્ષિણની તસવીર રજૂ કરી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા X પર આ અંગે માહિતી આપી હતી કે, વિપક્ષ I.N.D.I.A ગઠબંધનના તમામ નેતા સવારે 11 વાગ્યે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કક્ષમાં ભેગા થશે, ત્યારબાદ સામૂહિક રૂપે રાજ્યસભા મહાસચિવ અને ચૂંટણીના રિટર્નિંગ ઑફિસર પી.સી. મોદીની ઑફિસમાં ઉમેદવારી નોંધાવા જશે.
ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે. ચૂંટણી પરિણામ પણ તે જ દિવસે જાહેર થશે. ઉપરાષ્ટ્રપતિની પસંદગી માટે લોકસભા અને રાજ્યસભાના સભ્યો મતદાન આપે છે. વર્તમાન સ્થિતિમાં સંખ્યા બળમાં એનડીએ ગઠબંધનનું પલડું ભારે છે. જો કે, બંને સંસદ ગૃહની સંયુક્ત ક્ષમતા પર નજર કરીએ તો એનડીએ ગઠબંધનમાં 786 બેઠક છે. જેમાંથી છ બેઠક હાલ ખાલી છે. એક લોકસભામાં (બશીરહાટ, પશ્ચિમ બંગાળ) અને પાંચ રાજ્ય સભા, જેમાં ચાર જમ્મુ-કાશ્મીર અને એક પંજાબમાં બેઠક છે.
બીએ, એલએલબીની ડિગ્રી ધરાવતાં બી. સુદર્શન રેડ્ડીનો જન્મ 8 જુલાઈ, 1946ના રોજ આંધ્રપ્રદેશમાં થયો હતો. કૃષિ પરિવારમાં જન્મેલા બી. સુદર્શન રેડ્ડીએ 27 ડિસેમ્બર, 1971માં આંધ્રપ્રદેશના બાર કાઉન્સિલ સાથે હૈદરાબાદમાં વકીલ તરીકે કારકિર્દીની શરુઆત કરી હતી. 2 મે, 1995માં આંધ્રપ્રદેશમાં તેમની કાયમી જજ તરીકે નિમણૂક થઈ હતી. 2005માં તેઓ ગુવાહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા. બાદમાં 12 જાન્યુઆરી, 2007માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિમણૂક થઈ હતી. 8 જુલાઈ, 2011ના રોજ તેઓ નિવૃત્ત થયા હતા. તેઓ રાજકારણ સાથે કોઈ સંબંધ ધરાવતા નથી.




