દેશભરમાં ઝડપથી વધી રહેલા ‘ડિજિટલ અરેસ્ટ’ના કેસની તપાસ માટે રાજ્ય સરકારો સીબીઆઇને સંમતિ આપે.:સુપ્રીમ કોર્ટ

દેશભરમાં ઝડપથી વધી રહેલા ‘ડિજિટલ અરેસ્ટ’ના કૌભાંડોની ગંભીરતાને ધ્યાનમાં લઈને સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટે દેશભરમાં સાયબર ક્રાઇમના આ પ્રકારના કેસની તપાસની જવાબદારી સીબીઆઇને સોંપી દીધી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્ય બાગચીની બેન્ચે દેશભર રાજ્યોને આદેશ કર્યો છે કે, ડિજિટલ એરેસ્ટના વિવિધ કેસની તપાસ માટે રાજ્ય સરકારો સીબીઆઇને સંમતિ આપે. આ રાજ્યોમાં વિપક્ષ દ્વારા શાસિત પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કર્ણાટક અને તેલંગાણાનો પણ સમાવેશ થાય છે.
‘ડિજિટલ અરેસ્ટ’ સાયબર ક્રાઇમનો જ એક પ્રકાર છે, જેમાં સાયબર ગુનેગારો પોતાને પોલીસ કે ઉચ્ચ અધિકારીઓ, કોર્ટ કર્મચારીઓ કે સરકારી એજન્સીના અધિકારીઓ તરીકે ઑડિયો-વીડિયો કૉલ કરીને પીડિતોને ડરાવે છે. આમ કરીને તેઓ પીડિતોને રીતસરના ડિજિટલ એરેસ્ટ એટલે કે ‘નજરકેદ’ કરીને બંધક બનાવી લે છે અને ખંડણી ઉઘરાવે છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે, આ પ્રકારના કૌભાંડમાં ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને નિશાન બનાવાય છે. આ રીતે દેશમાં અત્યાર સુધી ₹3,000 કરોડથી વધુની રકમ પડાવી લેવાયાનું કહેવાય છે.
ડિજિટલ એરેસ્ટ મામલાની સુનાવણીમાં અન્ય મહત્ત્વના આદેશ
- બૅંક અધિકારીઓની તપાસ: સુપ્રીમ કોર્ટે સીબીઆઇને એવા બૅંક અધિકારીઓની પણ તપાસનો આદેશ આપ્યો છે, જે ઠગ સાથે મળીને ‘મ્યુલ એકાઉન્ટ્સ’ ચલાવવામાં મદદ કરે છે.
- વિદેશી ગુનેગારો: સીબીઆઇને વિદેશમાં આવેલા ‘ઑફશોર ટૅક્સ હેવન’ દેશોમાંથી કાર્યરત સાયબર ગુનેગારો સુધી પહોંચવા ઇન્ટરપોલની મદદ લેવા પણ જણાવાયું છે.
- ટેલિકોમ નિયંત્રણ: ટેલિકોમ વિભાગને એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ અપાયો છે કે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ એક જ વ્યક્તિ કે સંસ્થાને અનેક સિમ કાર્ડ ન આપે.
- IT મધ્યસ્થીઓનો સહયોગ: ઇન્ફોર્મેશન ટૅક્નોલૉજી સાથે જોડાયેલા મધ્યસ્થીઓને ડિજિટલ અરેસ્ટના કેસોમાં સીબીઆઇને સંપૂર્ણ સહયોગ આપવા માટે નિર્દેશ કરાયો છે.
- સાયબર સેન્ટર્સ: તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સીબીઆઇ સાથે વધુ સારા સમન્વય માટે પ્રાદેશિક અને રાજ્ય સ્તરે સાયબર ક્રાઇમ કો-ઓર્ડિનેશન સેન્ટર સ્થાપિત કરવાનું કહેવાયું છે.




