NEETમાં નાપાસ છતાં BDSમાં એડમિશન આપનાર 10 કોલેજોને સુપ્રીમ કોર્ટે 100 કરોડનો દંડ ફટકાર્યો

મેડિકલ અને ડેન્ટલ શિક્ષણમાં નિયમોના ઉલ્લંઘન સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. રાજસ્થાનની 10 ખાનગી ડેન્ટલ કોલેજો દ્વારા NEETના નિયમોને નેવે મૂકીને આપવામાં આવેલા એડમિશનના કેસમાં કોર્ટે દરેક કોલેજ પર 10-10 કરોડ રૂપિયાનો(કુલ 100 કરોડ) ભારે દંડ ફટકાર્યો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે શિક્ષણના સ્તર સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.
સુપ્રીમ કોર્ટે આ ઐતિહાસિક ચુકાદામાં આદેશ આપ્યો છે કે કોલેજો પાસેથી વસૂલવામાં આવેલી 100 કરોડ રૂપિયાની દંડની રકમ ‘રાજસ્થાન રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ’ પાસે જમા કરાવવામાં આવશે, જેને ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકી તેના વ્યાજમાંથી વૃદ્ધાશ્રમો, નારી નિકેતન, વન સ્ટોપ સેન્ટર અને બાળ સંભાળ સંસ્થાઓનું રખરખાવ તેમજ સુધારણા કરવામાં આવશે. તેમજ આ ભંડોળના યોગ્ય વપરાશ પર દેખરેખ રાખવા માટે રાજસ્થાન હાઈકોર્ટના 5 જજોની સમિતિની રચના કરવાનો પણ આદેશ અપાયો છે.
બીજી તરફ, કોર્ટે કલમ 142 હેઠળ વિશેષ સત્તાનો ઉપયોગ કરી અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓની ડિગ્રીને માન્યતા તો આપી છે, પરંતુ તેની સામે શરત મૂકી છે કે આ વિદ્યાર્થીઓએ આપત્તિ કે મહામારી જેવી કટોકટીમાં રાજ્ય સરકારને નિઃશુલ્ક સેવાઓ આપવાનું સોગંદનામું કરવું પડશે. જોકે, જે વિદ્યાર્થીઓએ એડમિશનના 9 વર્ષ પછી પણ BDS પૂર્ણ કર્યું નથી, તેમને કોઈ પણ રાહત આપ્યા વિના તાત્કાલિક કોર્સમાંથી બહાર કરવાનો કડક આદેશ પણ કોર્ટે આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે મેડિકલ શિક્ષણના ઘટતા સ્તર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, આવા ગેરકાયદે એડમિશન ભવિષ્યના ડૉક્ટરોની ગુણવત્તા સામે પ્રશ્નો ઉભા કરે છે. આ ચુકાદો એ તમામ સંસ્થાઓ માટે ચેતવણી સમાન છે જે નિયમો તોડીને એડમિશન આપે છે.




