NATIONAL

RTE હેઠળ 25% અનામતનો કડક અમલ કરવા સુપ્રીમ કોર્ટનો રાજ્યોને આદેશ

સુપ્રીમ કોર્ટે આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ના બાળકોના શિક્ષણના અધિકાર પર એક મોટો ચુકાદો આપ્યો છે. જસ્ટિસ પી.એમ. નરસિમ્હા અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની બેન્ચે સ્પષ્ટ કર્યું કે ખાનગી શાળાઓમાં ગરીબ બાળકો માટે 25% અનામતની જોગવાઈને અસરકારક રીતે લાગુ કરવી એ કેન્દ્ર અને રાજ્ય સરકારોની પ્રાથમિક જવાબદારી છે.

આ સુનાવણી એક એવા પિતાની અરજી પર થઈ રહી હતી જેના બાળકોને વર્ષ 2016માં બેઠકો ખાલી હોવા છતાં મુંબઈની પડોશની શાળામાં પ્રવેશ મળ્યો ન હતો. બોમ્બે હાઈકોર્ટે ઓનલાઈન પ્રક્રિયાનું પાલન ન કરવાના આધારે આ અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે હાઈકોર્ટના વલણની ટીકા કરી અને બાળકોના પક્ષમાં ચુકાદો આપ્યો.

કલમ 38 હેઠળ સરકારોએ NCPCR અને બાળ અધિકાર પંચ સાથે પરામર્શ કરીને સ્પષ્ટ અને સરળ નિયમો બનાવવા જોઈએ., બાળકોને પ્રવેશ અપાવવો એ સ્થાનિક સત્તામંડળ અને સરકારની જવાબદારી છે, માત્ર વાલીઓની નહીં.,અદાલતોએ પણ આવા સંવેદનશીલ કિસ્સાઓમાં ટેકનિકલ ખામીઓ જોવાને બદલે વાલીઓને ઝડપી રાહત આપવા માટે “એક ડગલું આગળ” ચાલવું જોઈએ.

કોર્ટે અંતમાં ઉમેર્યું કે જો યોગ્ય અને કડક નિયમો નહીં બનાવવામાં આવે, તો બંધારણની કલમ 21A (શિક્ષણનો અધિકાર) નો મૂળ હેતુ જ નિષ્ફળ જશે.

વ્યવહારુ અવરોધો પર કોર્ટની ટિપ્પણી

કોર્ટે સ્વીકાર્યું કે કાગળ પર કાયદો હોવા છતાં, ગરીબ વાલીઓ માટે પ્રવેશ મેળવવો મુશ્કેલ છે. તેના મુખ્ય કારણો નીચે મુજબ છે:

ડિજિટલ અભણતા: ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ગરીબ વાલીઓ માટે જટિલ હોય છે.

માહિતીનો અભાવ: બેઠકો ક્યાં ખાલી છે તેની વિગતો કે હેલ્પડેસ્ક જેવી સુવિધાઓનો અભાવ.

ભાષાકીય અવરોધ: જટિલ નિયમો અને પ્રક્રિયા સામાન્ય માણસની સમજ બહાર હોય છે.

Back to top button
error: Content is protected !!