સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારના અરાવલી જંગલ સફારી પ્રોજેક્ટને મંજૂરી આપવા ઇનકાર, અરાવલીને સ્પર્શ કરવાની પરવાનગી નહીં મળે

સુપ્રીમ કોર્ટે ગુરુવારે અરાવલી રેન્જને લગતા મહત્વપૂર્ણ મુદ્દે કડક વલણ અપનાવતા હરિયાણા સરકારના પ્રસ્તાવિત જંગલ સફારી પ્રોજેક્ટને મંજૂરી આપવા ઇનકાર કર્યો છે. અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે જ્યાં સુધી અરાવલી રેન્જની વ્યાખ્યા નિષ્ણાતો દ્વારા અંતિમરૂપે નક્કી કરવામાં નહીં આવે, ત્યાં સુધી કોઈને પણ અરાવલીને સ્પર્શ કરવાની પરવાનગી આપવામાં નહીં આવે. આ ટિપ્પણી સાથે અદાલતે પર્યાવરણ સંરક્ષણ મુદ્દે પોતાની ગંભીરતા દર્શાવી છે.
હરિયાણા સરકાર તરફથી દલીલ કરવામાં આવી કે મૂળ 10,000 એકર વિસ્તાર ધરાવતો જંગલ સફારી પ્રોજેક્ટ હવે ઘટાડી 3,300 એકર સુધી સીમિત કરવામાં આવ્યો છે. સરકારના વકીલે જણાવ્યું કે તેઓ માત્ર એટલી જ પરવાનગી માંગે છે કે ડીટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી સમક્ષ તપાસ માટે રજૂ કરી શકાય. જોકે, અદાલતે સ્પષ્ટ કર્યું કે મુખ્ય અરાવલી કેસ સાથે આ મુદ્દે વિચારણા કરવામાં આવશે અને અલગથી કોઈ પરવાનગી આપવામાં નહીં આવે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અરાવલી માત્ર હરિયાણા કે રાજસ્થાન પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે અનેક રાજ્યોમાંથી પસાર થતી પર્વતમાળા છે. આથી તેના સંરક્ષણ માટે સર્વાંગી દૃષ્ટિકોણ જરૂરી છે. અદાલતે આ પણ નિર્દેશ આપ્યો કે નિષ્ણાત સમિતિનો અભિપ્રાય આવ્યા બાદ જ જંગલ સફારી પ્રોજેક્ટ પર કોઈ નિર્ણય લેવામાં આવશે.
અદાલતે અગાઉના પોતાના આદેશોની પણ ચર્ચા કરી, જેમાં અરાવલી પહાડીઓ અને રેન્જની સમાન વ્યાખ્યા સ્વીકારવામાં આવી હતી અને નિષ્ણાતોની રિપોર્ટ સુધી નવી માઇનિંગ લીઝ પર રોક લગાવવામાં આવી હતી. ટેક્નિકલ વ્યાખ્યાઓમાં 100 મીટર ઊંચાઈ અને 500 મીટર અંતર જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે કે નહીં તે અંગે પણ સ્પષ્ટતા જરૂરી હોવાનું અદાલતે જણાવ્યું.
ગત વર્ષ ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે હરિયાણા સરકારના મહત્ત્વાકાંક્ષી અરાવલી ઝૂ સફારી પ્રોજેક્ટ પર રોક લગાવી હતી. આ પ્રોજેક્ટને વિશ્વનો સૌથી મોટો ઝૂ સફારી પ્રોજેક્ટ ગણાવવામાં આવતો હતો. ગુરુગ્રામ અને નૂહ જિલ્લાઓમાં ઇકો-ફ્રેજાઇલ અરાવલી વિસ્તારમાં વાઘ, જેગુઆર, દીપડો જેવા પ્રાણીઓ માટે ઝોન બનાવવા તથા અનેક પ્રજાતિના પક્ષીઓ અને રેંગતા પ્રાણીઓને વસાવવા યોજના હતી.
પરંતુ પર્યાવરણ કાર્યકરો અને નિવૃત્ત ભારતીય વન સેવા અધિકારીઓ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ પ્રોજેક્ટ પહેલેથી જ નુકસાન પામેલી અરાવલી રેન્જ માટે વિનાશક સાબિત થઈ શકે છે. અરજદારોનું કહેવું હતું કે આ વિસ્તાર ઇકો-સેન્સિટિવ હોવાથી મોટા પાયે બાંધકામ અને પર્યટન પ્રવૃત્તિઓથી કુદરતી સંતુલન બગડી શકે છે.
અરાવલી રેન્જ ઉત્તર ભારતમાં પર્યાવરણીય દૃષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ છે. તે ભૂગર્ભજળના સ્તરો જાળવવામાં, હવામાન સંતુલનમાં અને વન્યજીવનના આવાસ તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખનન અને શહેરીકરણના દબાણને કારણે આ વિસ્તાર પર ગંભીર અસર પડી છે, જેને ધ્યાનમાં રાખીને અદાલત સંવેદનશીલ અભિગમ અપનાવી રહી છે.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને પર્યાવરણ સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. હવે નિષ્ણાત સમિતિની રિપોર્ટ અને અરાવલીની સ્પષ્ટ વ્યાખ્યા બાદ જ આગળની કાર્યવાહી નક્કી થશે. ત્યાં સુધી, અરાવલી વિસ્તારમાં કોઈપણ પ્રકારની નવી પ્રવૃત્તિ પર અદાલતનું વલણ કડક રહેશે.






