પતિ- પત્ની બંનેને પોતાના અંહકારને છોડીને બાળકોના ભવિષ્યને પ્રાથમિકતા આપવી જોઈએ : સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે વિવાહિત વિવાદની સુનાવણી દરમિયાન કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, ‘પત્ની તેના પતિને ભમરડાની જેમ ફેરવી ન શકે. કારણ કે, પારિવારિક ઝઘડામાં સૌથી વધુ નુકસાન બાળકોને થાય છે, એટલે પતિ- પત્ની બંનેને પોતાના અંહકારને છોડીને બાળકોના ભવિષ્યને પ્રાથમિકતા આપવી જોઈએ.’
આ ટિપ્પણી જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે એ સમયે કરી જ્યારે, તેમની સામે એક સરકારી નોકરી કરતાં દંપત્તિનો મામલો સામે આવ્યો. પતિ દિલ્હી રેલવેમાં કાર્યરત છે. જ્યારે પત્ની પટનામાં રિઝર્વ બેંકમાં નોકરી કરે છે અને તેમના માતા -પિતા તેમની સાથે રહે છે.
આ દંપત્તિના લગ્ન વર્ષ 2018માં થયા હતા. તેમને બે બાળકો છે, એક પાંચ વર્ષની દીકરી અને ત્રણ વર્ષનો દીકરો છે. બંને 2023થી અલગ રહે છે. પતિનું કહેવું છે કે, તે સાસરે રહેવા નથી માંગતી, જ્યારે પત્ની અને તેના પરિવારે પતિ પર કેસ દાખલ કર્યો છે.
પતિ-પત્નીના વચ્ચે વધતા વિવાદના કારણે હવે તેમના બાળકો પણ માનસિક તણાવમાં છે. જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટની સામે આવ્યો તો બંને પક્ષોને સમજાવવાની કોશિષ કરવામાં આવી હતી.
સેપરેશન કેસ વિષે ..
સેપરેશન કેસ એટલે — પતિ-પત્ની વચ્ચેનો એવો કાયદેસરનો કેસ, જેમાં બંને વ્યક્તિ એકબીજાથી અલગ રહેવાની મંજૂરી માંગે છે, પરંતુ તલાક (Divorce) લેતા નથી. એટલે કે, સેપરેશન કેસ એ પતિ-પત્ની વચ્ચે વધતા તણાવ અથવા મતભેદને કારણે સાથે ન રહેવાનો નિર્ણય કાયદેસર રીતે માન્ય કરાવવાનો કેસ છે.
જેમાં બંને વ્યક્તિ અલગ રહી શકે, પરંતુ લગ્નનો કાયદેસર સંબંધ યથાવત રહે છે, અને કોર્ટ દ્વારા નક્કી થાય કે બાળકોની કસ્ટડી, ભરણપોષણ, મિલકત વગેરે કેવી રીતે વહેંચાશે. આવા કેસમાં લગ્ન યથાવત રહે છે, એટલે કે છુટાછેડા લેવામાં આવતા નથી.