NATIONAL

સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ કરે…ખેડૂતોનું ઉગ્ર આંદોલન,…

મહારાષ્ટ્રના નાગપુરમાં આજે બીજા દિવસે ખેડૂતો ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન પૂર્વ મંત્રી અને પ્રહાર પાર્ટીના નેતા બચ્ચુ કડુના નેતૃત્વમાં કરવામાં આવી રહ્યું છે. જ્યાં સુધી સરકાર શરત વગર ખેડૂતોનું દેવું માફ નહીં કરે, ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

ઉગ્ર વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોએ નાગપુર-હૈદરાબાદ નેશનલ હાઈવે ચક્કાજામ કરી દીધો છે, જેના કારણે હાઈવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો છે. હાઈવે પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. બીજીતરફ પોલીસ તંત્ર આંદોલનની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

આંદોલનની આગેવાની કરી રહેલા પૂર્વ મંત્રી અને પ્રહાર પાર્ટીના નેતા બચ્ચુ કડુએ કહ્યું કે, ‘અમે ખેડૂતોની વેદના અને વધતા દેવાના બોજના કારણે દેખાવો કરી રહ્યા છીએ. આંદોલનકારીઓ ઈચ્છે છે કે રાજ્ય સરકાર તાત્કાલિક પગલાં ભરે અને ખેડૂતોને રાહત આપે.

આંદોલન વધુ ઉગ્ર ન બને તે માટે પોલીસ તંત્રએ સુરક્ષા-વ્યવસ્થા કડક કરી દીધી છે. હાલ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે છે અને સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આ ઉપરાંત હાઈવે પર જામ થયેલ ટ્રાફિક વૈકલ્પિક માર્ગ વાળવામાં આવ્યો છે.

2023માં મહારાષ્ટ્રમાં કુલ 2851 ખેડૂતોએ જ્યારે 2024માં 2635 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. જ્યારે જાન્યુઆરીથી માર્ચ-2025 દરમિયાન 767 ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. વર્લ્ડ બેંકના રિપોર્ટ મુજબ, મહારાષ્ટ્રમાં કુલ બાકી કૃષિ દેવું આશરે 2,63,203 કરોડ રૂપિયા નોંધાયું છે. અનેક ખેડૂતો દેવું કરીને ખેતરમાં પાક વાવતા હોય છે, જોકે કુદરતી આફતના કારણે અનેક વખત આ પાકને મોટાપ્રમાણમાં નુકસાન થાય છે, જેના કારણે તે ખેડૂત નિરાશ થાય છે, જેના કારણે તેઓ આત્મહત્યા કરવા મજબૂર બને છે.

Back to top button
error: Content is protected !!