ભારતનો રૂપિયો ડોલર સામે એક જ દિવસમાં 1 રૂપિયા કરતા વધુ તૂટ્યો, 94 ના સ્તરને પાર
ભારતીય રૂપિયો ડોલર સામે પ્રથમ વખત 94 ના સ્તરને પાર કરી ગયો

ભારતીય અર્થતંત્ર માટે ચિંતાજનક દિવસો સાબિત થઈ રહ્યા છે કારણ કે ડોલરની સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. ઈતિહાસમાં પ્રથમ વખત રૂપિયો 94.5 ના સ્તરને પાર કરી 94..01 પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો. જો આપણે છેલ્લા એક વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો, 2 મે ના રોજ જે રૂપિયો 83.76 ના સ્તર પર હતો, તે હવે 11 રૂપિયા જેટલો નબળો પડી ગયો છે. 11 ટકાથી વધુનો આ ઘટાડો માત્ર આંકડાકીય નથી, પરંતુ તે દેશની અર્થવ્યવસ્થા અને સામાન્ય નાગરિકના જીવનધોરણ પર ઊંડી અસર કરનારો સાબિત થશે. નિષ્ણાતોના મતે, જો મધ્ય પૂર્વમાં તણાવ વધશે અને ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલર સુધી પહોંચશે, તો રૂપિયો ટૂંક સમયમાં 95 ના સ્તરને પણ સ્પર્શી શકે છે.
આ ઘટાડા પાછળના વૈશ્વિક કારણો તપાસીએ તો અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસનની ટેરિફ નીતિ અને ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલમાં થઈ રહેલો વિલંબ મુખ્ય છે. આ ઉપરાંત, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં ઉછાળો આવ્યો છે. ભારત તેની જરૂરિયાતનું મોટાભાગનું તેલ આયાત કરે છે, જેના માટે ડોલરમાં ચૂકવણી કરવી પડે છે. જ્યારે રૂપિયો નબળો પડે છે, ત્યારે તેલની આયાત મોંઘી બને છે અને તેનાથી દેશમાં ટ્રાન્સપોર્ટેશન અને અન્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારો થાય છે. આ વર્ષે અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય શેરબજારમાંથી 90 હજાર કરોડ રૂપિયાથી વધુની મૂડી પાછી ખેંચી લીધી છે, જે રૂપિયા પર દબાણ વધારવાનું મોટું કારણ છે.
રૂપિયાના અવમૂલ્યનથી દેશની રાજકોષીય ખાધ એટલે કે કરંટ એકાઉન્ટ ડેફિસિટ (CAD) માં પણ મોટો ઉછાળો જોવા મળી શકે છે. ICRA ના અહેવાલ મુજબ, ફેબ્રુઆરી 2025 માં જે વેપાર ખાધ 14.4 બિલિયન ડોલર હતી, તે ફેબ્રુઆરી 2026 માં વધીને 27.1 બિલિયન ડોલર થઈ ગઈ છે. આ આંકડા દર્શાવે છે કે આપણે નિકાસ કરતા આયાત પર વધુ ખર્ચ કરી રહ્યા છીએ. આર્થિક મોરચે રૂપિયાની નબળાઈ રિઝર્વ બેંક (RBI) માટે પણ મુશ્કેલ સ્થિતિ પેદા કરે છે. એક તરફ આર્થિક વૃદ્ધિ માટે વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જરૂર હોય છે, તો બીજી તરફ મોંઘવારીને કાબૂમાં લેવા માટે કડક નીતિઓ અપનાવવી પડે છે. આરબીઆઈ અવારનવાર ડોલર વેચીને રૂપિયાને ટેકો આપવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ પ્રક્રિયામાં વિદેશી મુદ્રા ભંડારનો મોટો હિસ્સો વપરાઈ જતો હોય છે.
સામાન્ય માણસના જીવન પર આની સીધી અસર આયાતી ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓ, મોબાઈલ, લેપટોપ અને વિદેશી મુસાફરી પર પડશે. જે લોકો વિદેશમાં અભ્યાસ કરી રહ્યા છે, તેમના માટે ફી ચૂકવવી હવે 11% વધુ મોંઘી થઈ ગઈ છે. જોકે, આ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે જે કંપનીઓ નિકાસ (Export) સાથે જોડાયેલી છે અથવા જેઓ ડોલરમાં કમાણી કરે છે તેમને ફાયદો થશે. જ્યારે ડોલર મોંઘો થાય છે ત્યારે નિકાસકારોને બદલામાં વધુ રૂપિયા મળે છે, જે આઈટી સેક્ટર અને ફાર્મા સેક્ટર જેવી કંપનીઓ માટે સારા સમાચાર હોઈ શકે છે. તેમ છતાં, એકંદર અર્થતંત્ર માટે રૂપિયાનો આ સતત ઘટાડો રોકાણકારોના આત્મવિશ્વાસને હચમચાવી શકે છે અને શેરબજારમાં વધુ વેચવાલી લાવી શકે છે.




