વલસાડ ખાતે ૫૦૦ મીટરના વિશાળ તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય, કલેક્ટર, ડીડીઓ, એસપી તિરંગાના સન્માન સાથે તિરંગા યાત્રામાં પગપાળા ચાલી સામેલ થયા
અશ્વદળ, મોટર સાયકલ દળ, પોલીસ પ્લાટૂન, પોલીસ બેન્ડ, આદિવાસી નૃત્ય, સાંસ્કૃતિક અને સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા આકર્ષણનું કેન્દ્ર બન્યા
વલસાડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલાની ઉપસ્થિતિમાં વલસાડ વહીવટી તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી. જિલ્લા પંચાયત પ્રમુખની સાથે વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલ, કલેક્ટર ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત અને જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાએ લીલી ઝંડી આપી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. હજારો વલસાડવાસીઓએ ઉપસ્થિત રહી સમગ્ર વાતાવરણને તિરંગામય બનાયું હતું. સમગ્ર શહેર દેશભક્તિના રંગમાં રંગાયું હતું.
તિરંગા યાત્રામાં પોલીસ અશ્વદળ, મોટરસાઈકલ દળ, વિવિધ પોલીસ પ્લાટૂન, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ, ટ્રાફિક બ્રિગેડ અને પોલીસ બેન્ડે તિરંગા સાથે સામેલ થયા હતા. પોલીસના અશ્વદળે તિરંગા યાત્રાની આગેવાની કરી હતી. ફૂલોથી શણાગારાયેલી ખુલ્લી જીપમાં ભારતમાતાનું ફૂલોની પાંખડીઓથી સ્વાગત કરાયું હતું. એનસીસી અને એનએસએસના યુવા સભ્યોએ યુવા શક્તિનું પ્રદર્શન કર્યું હતું. જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા સાથે તેમજ આદિવાસી નૃત્ય અને સાંસ્કૃતિક પરિભૂષામાં સામેલ થયા હતા. યાત્રાનું ઠેર ઠેર ફુલોની પાંખડીઓ દ્વારા યાત્રાનું સ્વાગત કર્યું હતું. પોલીસની ૫૦૦ કર્મીઓની વિવિધ પ્લાટૂનના જવાનો સાથે ફાયર ડિપાર્ટમેન્ટના ફાયર ફાઈટર્સે તિરંગા સાથે માર્ચ કરી હતી. ગુજરાત યોગ બોર્ડના સભ્યો તિરંગા સાથે રેલીમાં સામેલ થયા હતા. તિરંગા યાત્રામાં ૩૫૦૦ થી ૪૦૦૦ લોકોએ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી, કલેક્ટરશ્રી તિરંગા સાથે કલેક્ટર કચેરીથી હાલર ચાર રસ્તા -આઝાદ ચોક – મોંઘાભાઈ હોલ થી પરત કલેક્ટર કચેરી સુધી તિરંગા યાત્રામાં પગપાળા ચાલી લોકોનો ઉત્સાહ વધારી યાત્રામાં સહભાગી થયા હતા. જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સહિત અનેક અધિકારી-કર્મચારીઓ તિરંગો લહેરાવી યાત્રામાં જોડાયા હતા.
બોકસ
તિરંગા યાત્રામાં ૫૦૦ મીટર લંબાઈના તિરંગાએ દેશભક્તિ જગાવી
વલસાડની બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં ૫૦૦ મીટર લંબાઈના તિરંગાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. ૩૫૦થી વધુ પોલીસ જવાનો અને જિલ્લા વહીવટી તંત્રના કર્મીઓએ યાત્રા દરમિયાન આ અતિભવ્ય વિશાળ તિરંગા સાથે માર્ચ કરી હતી. યાત્રાના સ્વાગત દરમિયાન આ તિરંગા પર પથરાયેલી ફૂલોની પાંખડીઓએ તિરંગાનું ગૌરવ વધાર્યું હતું.





