GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: તુવેરમાં વિવિધ રોગ સામે પાકની કાળજી રાખવા ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ

તા.૨૪/૬/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: તુવેરના પાકમાં જોવા મળતા વિવિધ રોગોના સંકલિત વ્યવસ્થાપન માટે પગલાં લેવા ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. તુવેરમાં સુકારો, મૂળ અને થડનો કોહવારો, વંધ્યત્વ રોગના સંકલિત વ્યવસ્થાપન માટે ખેડૂતોએ વાવણી પહેલા અને વાવણી સમયે શું પગલાં લેવા તે અંગે જુનાગઢ અને આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા માર્ગદર્શન અપાયું છે.

જે મુજબ વાવણી માટે રોગમુક્ત બીજ અને ખેતરની પસંદગી કરવી, જ્યાં પાણી ભરાતું હોય ત્યાં વાવેતર કરવું નહિ, તુવેરમાં વંધ્યત્વનો રોગ અટકાવવા માટે આગળના વર્ષના છોડ જો શેઢાપાળા પર કે ખેતરમાં રહી ગયેલા હોય તો તેને દૂર કરવાં. તેમજ તુવેરમાં બડધાં પાક લેવો નહિ.

દર ત્રણ વર્ષે દિવેલા કે જુવાર પાકની સાથે પાક ફેરબદલી કરવી. તુવેરના પાકમાં મકાઈને આંતરપાક તરીકે લેવાથી સુકારો રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે.

દિવેલીનો ખોળ ૧૦૦૦ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર વાવેતર પહેલાં જમીનમાં આપવો. જમીનની તૈયારી વખતે ૧૦ ટન પ્રેસમડ અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ ફૂગની વૃધ્ધિ કરેલ હોય તેવું છણિયું ખાતર ૨. ટન પ્રતિ હેક્ટર મુજબ ચાસમાં આપવું.

રોગ સામે પ્રતિકારકતા ધરાવતી જાતો જેવી કે જી.જે.પી.-૧, બી.ડી.એન.-૨, વૈશાલી તેમજ આઈ.સી.પી.એલ. ૮૭૧૧૯ જેવી જાતો વાવેતર કરવું.

જૈવિક પધ્ધતિથી બીજ માવજત માટે ૪ ગ્રામ ટ્રાયકોડરમાં હરજીનીયમ અને ૨ ગ્રામ વાઇટાવેક્ષ પ્રતિ કી.ગ્રા. બીજ મુજબ બીજ માવજત આપવી.

બીજ માવજત તરીકે કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ કે થાયરમ ૨ ગ્રામ પ્રતિ કિ.ગ્રા, અને ટ્રાયકોડર્મા વીરડી ૨.૫ કિ.ગ્રા. ને ૨૫૦ કિ.ગ્રા. એરંડીનો ખોળ અથવા છાણીયા ખાતરમાં ભેળવી વાવણી વખતે ચાસમાં આપવું. તુવેરમાં વંધ્યત્વ રોગના નિયંત્રણ માટે પાકની સમયસર વાવણી કરવી તેમજ બે હાર વચ્ચે ૩૦ થી ૪૦ સે.મી.નું અંતર રાખવું.

વધુમાં દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ આપવા અનુરોધ કરાયો છે.

આ અંગે વધુ જાણકારી સંબંધિત વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!