ન્યાયની દેવીની નવી પ્રતિમા અંગે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને પણ નારાજગી વ્યક્ત કરી

સુપ્રીમ કોર્ટમાં ન્યાયની દેવીની નવી પ્રતિમાનો વિવાદ ઊભો થઈ ગયો છે. સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને (SCBA) પણ આ પ્રતિમા પર નારાજગી વ્યક્ત કરી છે. એક પ્રસ્તાવ પસાર કરી એસોસિએશને કહ્યું કે, અમારી સાથે ચર્ચા કર્યા વિના પ્રતિમામાં એકતરફી બદલાવ કરવામાં આવ્યો છે. મંગળવારે રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં સિનિયર વકીલ કપિલ સિબ્બલની અધ્યક્ષતાવાળી SCBAએ સુપ્રીમ કોર્ટના પ્રતીક અને નવી પ્રતિમામાં બદલાવનો વિરોધ કર્યો છે. નોંધનીય છે કે, નવી પ્રતિમામાં આંખો પરથી પાટો બાંધેલી લેડી જસ્ટિસને ખુલ્લી આંખો સાથે દર્શાવવામાં આવી છે. તેમના હાથમાં તલવારની જગ્યાએ બંધારણ દર્શાવવામાં આવ્યું છે.
SCBA એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યોએ ઠરાવમાં કહ્યું છે કે અમે ન્યાયના વહીવટમાં સમાન હિસ્સેદાર છીએ, પરંતુ અમને ફેરફારો વિશે જાણ કરવામાં આવી ન હતી. તેમજ આ ફેરફારો પાછળનો તર્ક પણ સમજાવવામાં આવ્યો ન હતો. તેઓએ પ્રતિમામાં ફેરફારને રેડિકલ ગણાવ્યો અને કહ્યું કે પ્રતિમાને બનાવતા પહેલા તેમની સલાહ લેવી જોઈતી હતી. આ એકતરફી રીતે ન થવું જોઈએ. એસોસિએશને સુપ્રીમ કોર્ટ બિલ્ડીંગમાં જજ લાઇબ્રેરીને મ્યુઝિયમમાં ફેરવવા સામે પણ વાંધો વ્યક્ત કર્યો હતો.
સફેદ રંગની નવી ન્યાયની દેવીની પ્રતિમાને સાડીમાં દર્શાવાઈ છે. તેમના હાથમાં ન્યાયનું ત્રાજવું છે અને બીજા હાથમાં તલવારની જગ્યાએ ભારતનું બંધારણ છે. નવી પ્રતિમાનું અનાવરણ 16 ઓક્ટોબરે કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચીફ જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડે કહ્યું હતું કે, કાયદાની નજરમાં બધાં સમાન છે. તેઓએ પ્રતિમાની આંખના પાટા દૂર કરવાનું કારણ પણ જણાવ્યું હતું.
નવી પ્રતિમાને કાયદો આંધળો છે એવા વિચારને ખતમ કરવાના પ્રયત્નના રૂપે જોવામાં આવી રહ્યો છે. ત્રાજવું ન્યાયમાં સંતુલન અને નિષ્પક્ષતાને દર્શાવે છે, વળી સજા આપવાના પ્રતીક તલવારની બદલે બંધારણ મૂકવામાં આવ્યું છે.




