સરકારી નોકરીઓ હંગામી ધોરણે કે મહિનાઓના કરાર આધારિત હોવી ન જોઈએ.
ડૉ. ભાણજી સોમૈયા
…………………..
ઉચ્ચ શિક્ષિત યુવાનો એ આપણા રાષ્ટ્રનું ભાવિ છે. મોટાભાગના ઉચ્ચ શિક્ષિત યુવાનો સામાન્ય પરિવારમાંથી આવતા હોય છે. માટે ઉચ્ચ શિક્ષિત યુવાનો માટે સરકારી નોકરીઓ સંપૂર્ણ રીતે સુરક્ષિત અને પેન્શનયુક્ત હોવી જોઈએ એ રાષ્ટ્રના હિતમાં છે.
જો ઉચ્ચ શિક્ષિત યુવાનો આર્થિક રીતે અને માનસિક રીતે અસુરક્ષિતતાની ભાવનાથી ગ્રસ્ત હોય તો તેઓ પોતાનામાં પડેલ અસલ સામર્થ્ય અને અપાર કૌશલ્યનો રાષ્ટ્ર હિત માટે ઉપયોગ કરી શકે ખરા?
આજે ઉચ્ચ શિક્ષિત યુવાનોને શરૂઆતમાં જ ઓછામાં ઓછો મહિને ૫૦,૦૦૦ રૂપિયા પગાર મળે અને દર વર્ષે ૩% પગાર વધતો રહે તેમજ નોકરી આજીવન સુરક્ષિત અને પેન્શનયુક્ત હોય તો ઉચ્ચ શિક્ષિત યુવાનો રાષ્ટ્ર હિતમાં પોતાનું અસાધારણ પ્રદાન અર્પે શકે. જો ઉચ્ચ શિક્ષિત યુવાનો એમ ન કરે તો કડક કાર્યવાહી કરવી જોઈએ પણ, કરાર આધારિત કે હંગામી નોકરીએ ઉચ્ચ શિક્ષિતોને રોજગારી આપવી એ સાચા અર્થમાં સરકારી નોકરી ન કહેવાય.
યુવાનોમાં આજે સરકારી નોકરી કરવાની તમન્નાઓ જાગી છે. રાજકોટ, વડોદરા, સુરત, વલસાડ, અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં જઈને જોઈએ તો ખ્યાલ પડે છે યુવાનો સરકારી નોકરીઓ મેળવવા કેટલો સખત માનસિક પરિશ્રમ કરી રહ્યા છે. તો આવા ઉચ્ચ શિક્ષિત યુવાનોને કરાર આધારિત કે હંગામો ધોરણે સરકારી નોકરીઓ અપાય તો કેટલાક અંશે નૈતિક રીતે વ્યાજબી છે.
એક અખબારી અહેવાલ અનુસાર રાજ્યમાં ૬૬,૦૦૦ કર્મચારીઓ ફિક્સ વેતનના કર્મચારીઓ તરીકે ફરજ બજાવે છે. તો બીજી બાજુ ૫૦% જગ્યાઓ માત્ર ગૃહ વિભાગ, આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગમાં ખાલી છે. વર્ગ ૧ અને વર્ગ ૨ના અધિકારીઓનો વાત કરીએ તો ૨૩૪૫૬ જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકારમાં ૧.૪૦ લાખ અને ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓમા ૯૭ હજાર જગ્યાઓ ખાલી છે. ઘણા વિભાગોમાં તો સરકારી ડ્રાઈવરની જગ્યાઓમાં ભરતી થતી નથી.
રાજ્ય સ્તરે ૮૫% ઉચ્ચ શિક્ષિત યુવાનો માટે સરકારી નોકરી જ આશાનું કિરણ છે. કારણ કે તેઓના માતા-પિતા પાસે ન તો પોતાની ખેતીલાયક જમીન છે કે માતા-પિતાની મહિને અઢળક આવક છે.
ઉચ્ચ શિક્ષિત યુવાનોને કાયમી સુરક્ષિત અને પેન્શનયુક્ત સરકારી નોકરી મળે એ આપણી સૌની જવાબદારી છે. આજે પેન્શન મેળવતા માતા-પિતાના સંતાનો તેઓના માતા-પિતા જે પેન્શન મળે છે, તેટલું મહિને કવચિત જ કમાય છે. માટે પેન્શન મેળવતા અધિકારીઓ અને કર્મચારીઓનું પણ ઉત્તરદાયિત્વ છે કે ઉચ્ચ શિક્ષિત યુવાનોને સુરક્ષિત સરકારી નોકરી મળે સાથે સાથે પેન્શનયુક્ત રોજગારી મળે. જો આ વિચારો આપને યોગ્ય લાગે તો ઉચ્ચ આપણા પ્રતિનિધિઓ, નિવૃત અધિકારીઓ- કર્મચારીઓ સુધી પહોંચાડી આભારી કરશોજી. ખરેખર લોકશાહી દેશમાં આ ધર્મનુ કામ છે.