NATIONAL

સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં લાગુ કરાયેલા ધર્મ પરિવર્તન વિરોધી કાયદા પર પ્રશ્નો ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં લાગુ કરાયેલા ધર્મ પરિવર્તન વિરોધી કાયદા પર પ્રશ્નો ઉઠાવ્યા છે. કોર્ટે જણાવ્યું હતું કે આ કાયદો ધર્મ પરિવર્તન કરવા માંગતા લોકો માટે મુશ્કેલીઓ વધારે છે. વધુમાં જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે ધર્મ પરિવર્તન પ્રક્રિયામાં સરકારી અધિકારીઓની દખલગીરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી કે, આ કાયદો ધર્મ પરિવર્તન પ્રક્રિયામાં સરકારી તંત્રની દરમિયાનગીરી વધારવા માટે ઘડવામાં આવ્યો હોય તેવું લાગે છે. જોકે, સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કર્યું હતું કે તે હાલમાં ઉત્તર પ્રદેશના ધર્મ પરિવર્તન વિરોધી કાયદાની માન્યતા પર વિચાર કરી શકતી નથી.

બેન્ચે એ પણ યાદ અપાવ્યું કે ભારત એક ધર્મનિરપેક્ષ (સેક્યુલર) દેશ છે અને કોઈપણ વ્યક્તિ પોતાની ઇચ્છા મુજબ ધર્મ પરિવર્તન કરી શકે છે. આ મામલે ઉત્તર પ્રદેશ ધર્મ પરિવર્તન કાયદાની જોગવાઈઓની બંધારણીય માન્યતા પર વિચાર કરવો અમારા અધિકારક્ષેત્રમાં નથી. ધર્મ પરિવર્તન પહેલાં અને પછી ઘોષણા સંબંધિત નિયમો ધર્મ પરિવર્તનની ઔપચારિકતાઓને જટિલ બનાવે છે. આ નિયમોએ ધર્મ પરિવર્તન પ્રક્રિયામાં અધિકારીઓની દખલગીરી વધારી છે. જિલ્લા મેજિસ્ટ્રેટ પણ ધર્મ પરિવર્તનના દરેક કેસમાં પોલીસ તપાસનો આદેશ આપવા માટે કાયદેસર રીતે બંધાયેલા છે.

સુપ્રીમ કોર્ટે ધર્મ પરિવર્તન બાદ ઘોષણાપત્રની જરૂરિયાત પર પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. બેન્ચે જણાવ્યું હતું કે વ્યક્તિ જે ધર્મ સ્વીકારી રહી છે તે વ્યક્તિગત બાબત છે. આ સંદર્ભમાં ઘોષણાપત્ર આપવાની જવાબદારી ગોપનીયતાનું ઉલ્લંઘન કરે છે. એ ચિંતાનો વિષય છે કે કોઈને તેમના ધર્મ પરિવર્તન અને તેઓ હાલમાં જે ધર્મનું પાલન કરે છે તે શા માટે જાહેર કરવાની જરૂર છે. આ નિયમ ગોપનીયતાની જોગવાઈનું ઉલ્લંઘન તો નથી કરતોને તે ધ્યાનમાં લેવું જરૂરી છે.

રાજ્યમાં ધર્માંતરણની કઠોર પ્રક્રિયા અંગે બેન્ચે કહ્યું કે બંધારણની પ્રસ્તાવના ધર્મનિરપેક્ષની પ્રકૃતિ વિશે કહે છે. આપણા બંધારણની પ્રસ્તાવના અત્યંત મહત્ત્વપૂર્ણ છે અને બંધારણને તેના ‘ઉમદા અને દિવ્ય’ દૃષ્ટિકોણથી વાંચવું જોઈએ. કોર્ટે એ પણ રેખાંકિત કર્યું કે 1976માં સુધારા દ્વારા બંધારણમાં ‘ધર્મનિરપેક્ષ’ શબ્દ ઉમેરવામાં આવ્યો હોવા છતાં ધર્મનિરપેક્ષતા બંધારણના મૂળભૂત માળખાનો એક અભિન્ન ભાગ છે. ઉલ્લેખનીય છે, 1973માં કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્યના ચુકાદામાં ધર્મનિરપેક્ષતા બંધારણનું અભિન્ન અંગ હોવાનો સ્પષ્ટ આદેશ અપાયો હતો.

Back to top button
error: Content is protected !!